દરિયાકાંઠાના માછીમારો માટે ખુશખબર! કેબિનેટ બેઠકમાં સરકારે મંજૂર કર્યા 297 કરોડ, હવે બોટો 24 કલાક ફરી શકશે

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 09 Sep 2026 11:33 PM (IST)Updated: Wed, 09 Sep 2026 11:33 PM (IST)
gujarat-cabinet-approves-297-cr-for-fisheries-development

Gujarat Cabinet: ગુજરાત રાજ્યના મત્સ્યોદ્યોગ અને દરિયાકાંઠાના માછીમારોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે મત્સ્યોદ્યોગ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓ વધારવા માટે રૂ. 297.11 કરોડથી વધુના ખર્ચે 3 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

સૈયદ રાજપરા ફિશ લેન્ડિંગ સેન્ટરનું અપગ્રેડેશન (રૂ. 188.71 કરોડ)

ગીર સોમનાથ જિલ્લાના સૈયદ રાજપરા ખાતે આશરે 3,100 સક્રિય માછીમારો અને 347 જેટલી બોટ સંકળાયેલી છે. અહીં 753 બોટની ક્ષમતા ધરાવતું કેન્દ્ર, વાર્ફ વોલનું વિસ્તારણ, રીકલેમેશન, સી.સી. રોડ/પ્લેટફોર્મ, નેટ મેન્ડિંગ શેડ અને ડ્રેજિંગ સહિતની સુવિધાઓ તબક્કાવાર વિકસાવવામાં આવશે.

પોરબંદર મત્સ્ય બંદર ખાતે સઘન ડ્રેજિંગ (રૂ. 94.97 કરોડ)

પોરબંદર ખાતે આશરે 5,749 સક્રિય માછીમારો અને 4,194 એફ.આર.પી. તથા ટ્રોલર બોટો કાર્યરત છે. પોરબંદર મત્સ્ય બંદરની ક્ષમતા વધારવા અને બોટોની અવરજવર સુગમ બનાવવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) મારફત વિવિધ વિસ્તારોમાં ડ્રેજિંગની કામગીરી હાથ ધરાશે.

વલસાડના ફણસા કેન્દ્રનો વિકાસ (રૂ. 13.43 કરોડ)

વલસાડ જિલ્લાના ફણસા ખાતે 1,318 સક્રિય માછીમારો માટે કોંક્રીટ સરફેસ, રિક્લેમેશન અને સોલાર એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની ભૌતિક સગવડો ઊભી કરવામાં આવશે.

24 કલાક બોટોની અવરજવર અને આવકમાં વધારો થશે

આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાથી ફિશિંગ બોટો 24 કલાક બંદરમાં અવરજવર કરી શકશે, જેનાથી દરિયાઈ માછલીઓનો બગાડ અટકશે. ગુણવત્તા જળવાઈ રહેવાથી માછીમારોને બજારમાં યોગ્ય અને સારા ભાવ મળશે. આ સિવાય મત્સ્ય નિકાસ વધવાથી વિદેશી હૂંડિયામણ મળશે તેમજ સ્થાનિક સ્તરે રોજગારીના નવા અવસર ઊભા થશે.