સુરત: આરોગ્ય અને ફૂડ વિભાગનો સપાટો, 6 દિવસમાં 1248 પર દરોડા; 5500 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો

છેલ્લા 6 દિવસ દરમિયાન 1248 હોટલ/રેસ્ટોરન્ટ અને 287 ઢાબા પર તપાસ કરવામાં આવી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 24 Aug 2026 03:37 PM (IST)Updated: Mon, 24 Aug 2026 03:37 PM (IST)
smc-food-safety-drive-hotel-restaurant-inspection-surat-food-poisoning
Surat Food Safety Drive

Surat Food Safety Drive: સુરતમાં ફૂડ પોઈઝનીંગની ઘટના બાદ આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે. શહેરમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબા પર શરૂ કરેલી તપાસ ઝુંબેશ હેઠળ છેલ્લા 6 દિવસ દરમિયાન 1248 હોટલ/રેસ્ટોરન્ટ અને 287 ઢાબા પર તપાસ કરવામાં આવી હતી. જેમાં 817 સંસ્થાઓને નોટિસ ફટકારી, તેમજ 5546 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે.

સુરતમાં એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનીંગ થયું હતું, જે પૈકી એક બાળકીનું મોત થયું હતું. આ ઘટના બાદ સુરતમાં આરોગ્ય વિભાગની ટીમે શહેરમાં આવેલી હોટલ/રેસ્ટોરન્ટ અને ઢાબા પર તપાસ હાથ ધરી છે. છેલ્લા 6 દિવસ દરમિયાન 1248 હોટલ/રેસ્ટોરન્ટ અને 287 ઢાબા પર તપાસ કરવામાં આવી હતી.

આ કાર્યવાહી હેઠળ 817 સંસ્થાઓને નોટિસ ફટકારી તેમજ 5546 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 28.75 લાખનો વહીવટી ખર્ચ વસુલવામાં આવ્યો છે. તેમજ 82 સંસ્થાઓને સાફ સફાઈ અને સ્વચ્છતા તથા અન્ય ખામી બાબતે તુરંત બંધ કરાવી દેવામાં આવી હતી. નોટિસના જવાબ બાદ જે તે એકમ દ્વારા કરવામાં આવેલા સુધારા વધારા અંગે ઈન્સ્પેક્શન કરવામાં આવશે.

સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરો અને સેનિટેશન સ્ટાફ દ્વારા શહેરમાં દરેક ઝોનમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબા તેમજ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા એકમોમાં તપાસ કરવામાં આવી રહી છે. આ ડ્રાઈવ હેઠળ કિચન એરિયાની સાફ સફાઈ, વાસી કે એક્સપાયરી ડેટવાળા ખોરાકનો સંગ્રહ, ફૂડ હેન્ડલર્સના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ, વપરાશમાં લેવાતા પાણીની શુદ્ધતા તથા કચરાના યોગ્ય નિકાલની ચકાસણી કરવામાં આવી રહી છે.

આ ચેકીંગ દરમિયાન હોટલ રેસ્ટોરન્ટમાં વાપરવામાં આવતા ડેરી પ્રોડક્ટ જેવા કે પનીર, ચીઝ, બટર, છાશ તેમજ એડીબલ ઓઈલ બાબતે ડિસ્પ્લે બોર્ડ અને મેનુ કાર્ડ પર દર્શાવ્યું છે કે નહીં તેની સઘન તપાસ કરવામાં આવી હતી. તે ઉપરાંત સંસ્થાઓમાં કાર્યરત ફૂડ હેન્ડલર્સના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ, કિચન વિસ્તારમાં સ્વચ્છતા અને સાફ સફાઈની સ્થિતિ, કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા, ડસ્ટબિન, ડીપ ફ્રીજ, અનાજ તથા અન્ય ખાદ્યચીજોના યોગ્ય સ્ટોરેજ સહીત ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા સંબંધિત વિવિધ બાબતોની પણ સઘન ચકાસણી કરવામાં આવી હતી.

સુરત મહાનગરપાલિકા દ્વારા હોટલ રેસ્ટોરન્ટ સંચાલકોને તાકીદ કરવામાં આવી છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનાર કે ફૂડ સેફ્ટી એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ એકમ સામે કડક પગલાં લેવામાં આવશે. સાથે જ તમામ ખાદ્ય વિક્રેતાઓને ગુણવતા, સ્વચ્છતા અને પ્રમાણપત્રોના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તેમજ કિચનમાં સ્વચ્છતા જાળવવી સ્ટાફની પર્સનલ હાઈજીન અને મેડિકલ ફિટનેસ સુનિશ્ચિત જણાવવામાં આવ્યું છે.

વધુમાં, સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ હોટેલ-રેસ્ટોરન્ટ તથા લારી ગલ્લાના સંચાલકોને સુચના તથા અપીલ કરવામાં આવે છે કે કિચનમાં કામ કરતા તેમજ ખોરાક પીરસતા ફૂડ બિઝનેસ ઓપરેટરોને કેપ, એપ્રોન તથા ગ્લવ્ઝ ફરજીયાત પહેરવા તેમજ તૈયાર ખાદ્ય ચીજોની બનાવટમાં કોઈ પણ પ્રકારના કુત્રિમ કલરનો ઉપયોગ ન કરવો, ખાદ્યચીજો ને પેકિંગ કે પીરસવા માટે ન્યુઝ પેપરનો ઉપયોગ ન કરવો તથા સ્વચ્છ અને સ્વાસ્થ્યપ્રદ વાતાવરણમાં જ ખાદ્યચીજોનું ઉત્પાદન, સંગ્રહ અને પીરસવાનું સુનિશ્ચિત કરવા જરૂરી છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા આ અંગેની તપાસ અને કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે તથા Food Safety and Standards Act, 2006 ની જોગવાઈઓનું પાલન થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. જોગવાઇઈના કોઈપણ પ્રકારના ભંગ બદલ લાયસન્સ/રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ કાયમી ધોરણે સસ્પેન્ડ અથવા રદ કરવા સુધીની કાર્યવાહી તેમજ Food Safety & Standards Act, 2006 હેઠળ આગની કાયદેસરની અને કડક કાર્યવાહી કરવામાં આવશે.