Surat Food Poisoning: સુરતમાં સતત ચોથા દિવસે આરોગ્ય વિભાગ દ્વારા હોટલ/રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આજે સુરતમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા દરેક ઝોન મળી કુલ 223 હોટલ/રેસ્ટોરન્ટ અને 77 ઢાબામાં ચેકીંગ કરવામાં આવ્યું હતું અને 765.1 કિલોગ્રામ અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ 149 સંસ્થાઓને નોટીસ આપવામાં આવી હતી તેમજ 7 હોટલ/ રેસ્ટોરન્ટ બંધ કરાવવામાં આવ્યા હતા. જ્યારે 4,95,100નો વહીવટી ખર્ચ વસુલવામાં આવ્યો હતો.
સુરત મહાનગર પાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસરો અને સેનીટેશન સ્ટાફ દ્વારા શહેરમાં દરેક ઝોનમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબા તેમજ ખાધ્ય પદાર્થોનું વેચાણ કરતા એકમોમાં તપાસ કરવામાં આવી રહી છે. આ ડ્રાઇવ હેઠળ કિચન એરિયાની સાફ સફાઈ, વાસી કે એક્સપાયરી ડેટવાળા ખોરાકનો સંગ્રહ, ફૂડ હેન્ડલર્સના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ, વપરાશમાં લેવાતા પાણીની શુદ્ધતા તથા કચરાના યોગ્ય નિકાલની ચકાસણી કરવામાં આવી રહી છે.
આ ચેકીંગ દરમ્યાન હોટલ રેસ્ટોરન્ટમાં વાપરવામાં આવતા ડેરી પ્રોડક્ટ જેવા કે પનીર, ચીઝ, બટર, છાશ તેમજ એડિબલ ઓઇલ બાબતે ડિસ્પ્લે બોર્ડ અને મેનુ કાર્ડ પર દર્શાવ્યું છે કે નહીં તેની ઘનિષ્ઠ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ફૂડ હેન્ડલર્સના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ, કિચન વિસ્તારમાં સ્વછતા અને સાફ સફાઈની સ્થિતિ, કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા, ડસ્ટબિન, ડીપ ફ્રીઝ, અનાજ તથા અન્ય ખાધ્ય ચીજોના સ્ટોરેજ સહિત ખાધ્ય સુરક્ષા અને સ્વછતા સંબંધિત વિવિધ બાબતોની પણ સઘન ચકાસણી કરવામાં આવી હતી.
આજે ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા કુલ 223 હોટલ, રેસ્ટોરન્ટમાં અને 77 ઢાબા પર ચેકીંગ કરવામાં આવ્યું હતું તેમજ કુલ 765.1 કિલોગ્રામ અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કુલ 149 સંસ્થાઓને નોટિસ આપવામાં આવી હતી અને 7 હોટલ/રેસ્ટોરન્ટને તુરંત બંધ કરાવવામાં આવી હતી અને કુલ 495100 નો વહીવટી ખર્ચ વસુલવામાં આવ્યો હતો.
વધુમાં ગત તા.18 ઓગસ્ટથી આજદિન સુધી ઝુંબેશ દરમ્યાન કુલ 971 હોટલ/રેસ્ટોરન્ટ અને 182 ઢાબાને ચેક કરી 639 સંસ્થાને નોટીસ ઈશ્યૂ કરી કુલ 4368 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે તેમજ 30 ખાધ્ય પદાર્થના ફોર્મલ નમુના તથા 53 ઇન્ફોર્મલ નમુના લઈને પુથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
તેમજ 18,25,400 રૂપિયાનો વહીવટી ખર્ચ પણ વસુલવામાં આવ્યો છે. તેમજ 81 સંસ્થાઓને તેઓની સાફ સફાઈ અને સ્વછતા તથા અન્ય ખામી બાબતે હાલ તુરંત બંધ કરાવવામાં આવી છે અને નોટીસના જવાબ બાદ તેઓએ કરેલા સુધારા વધારાનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે.
મનપા દ્વારા હોટલ રેસ્ટોરન્ટ સંચાલકોને તાકીદ કરવામાં આવી છે કે, નાગરિકોના આરોગ્ય સાથે છેડા કરનાર કે ફૂડ સેફ્ટી એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ એકમ સામે કડક પગલા લેવામાં આવશે સાથે જ તમામ ખાદ્ય વિક્રેતાઓને ગુણવતા, સ્વચ્છતા અને પ્રમાણપત્રોના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તેમજ કિચનમાં સ્વચ્છતા જાળવવી સ્ટાફની પર્સનલ હાઈજિન અને મેડીકલ ફિટનેસ સુનિશ્ચિત જણાવવામાં આવ્યું છે.
