Surat Education Drive For School Dropout: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અંતર્ગત વર્ષ 2030 સુધીમાં દરેક બાળક શાળાએ જતું થાય અને 100 ટકા સાક્ષરતાનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકાય તે માટે સુરતમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
શૈક્ષણિક વર્ષ 2024-25 દરમિયાન જે વિદ્યાર્થીઓએ ધોરણ-1 થી 11 વચ્ચે કોઈ પણ કારણોસર અધવચ્ચેથી શાળા છોડી દીધી હોય (ડ્રોપ આઉટ રેશિયો), તેવા તમામ બાળકોની નામજોગ અને તેમના વાલીઓના સંપર્ક નંબર સાથેની એક વિસ્તૃત યાદી શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરી લેવામાં આવી છે.
આ વિશેષ ઝુંબેશ અંતર્ગત આગામી 10 દિવસમાં શાળાના શિક્ષકો અને આચાર્યો સીધા આવા બાળકોના ઘરે રૂબરૂ મુલાકાત લેવા માટે પહોંચશે. જ્યાં તેમના વાલીઓને બાળકને ફરી શાળાએ મોકલવા માટે સમજાવશે.
જો કોઈ વાલી આર્થિક સંકડામણ, સ્થળાંતર કે અન્ય કોઈ મજબૂરીના કારણે બાળકને શાળાએ મોકલવા તૈયાર નહીં થાય, તો ખુદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) પણ તેવા વાલીઓની રૂબરૂ મુલાકાત લઈને માર્ગદર્શન આપશે.
આ સમગ્ર પ્રક્રિયાને પારદર્શક રાખવા માટે તેનું ડિજિટલ માધ્યમથી ટ્રેકિંગ કરવામાં આવશે. શિક્ષકોએ વાલીના ઘરની મુલાકાત લઈને તે જ સ્થળ પરથી મોબાઈલ એપ્લિકેશનમાં ફોટો અથવા વીડિયો અપલોડ કરવાનો રહેશે, જેથી કામગીરીનું ચોક્કસ મોનિટરિંગ થઈ શકે.
આ અભિયાન અંગે સુરતના જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભગીરથ પરમારે જણાવ્યું કે, અમારો એક જ મુખ્ય લક્ષ્યાંક છે કે સુરત જિલ્લામાં એક પણ બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન રહેવું જોઈએ. ગત વર્ષે જે બાળકો કોઈ પણ કારણસર શાળા છોડી ગયા છે, તેમને પોર્ટલના માધ્યમથી નામજોગ ટ્રેક કરી લેવાયા છે.
હવે શિક્ષણ વિભાગની ટીમો સીધી વાલીઓના ઘરે જઈને કાઉન્સિલિંગ કરશે અને બાળકોને ફરીથી શાળામાં લાવશે. આ સામાજિક અભિયાનમાં શહેરીજનો પણ સક્રિયતા દાખવીને જોડાઈ શકે છે અને પોતાની આસપાસ આવા કોઈ બાળકો દેખાય તો તંત્રને તુરંત જાણ કરી શકે છે.
કોઈ બાળક સ્કૂલે ન જતો દેખાય તો 5 સ્ટેપ ફોલો કરો
- બાળક અને તેના માતા-પિતાનું નામ, ઘરના સરનામા જેવી માહિતી લો
- બાળકના નહીં ભણવા પાછળનું સાચું કારણ એટલે કે સ્થળાંતર, આર્થિક સ્થિતિ સહિતની બાબતો પૂછી નોંધી લો.
- આસપાસની કોઈ પણ સરકારી સ્કૂલના આચાર્ય કે શિક્ષકનો સંપર્ક કરો.
- સ્કૂલના આચાર્યને બાળક તેમજ વાલીની તમામ વિગતો લેખિતમાં આપો.
જો બાળકના ઘર અને સરકારી સ્કૂલ વચ્ચે અંતર લાંબુ હોય કે આચાર્યો સહકાર નહીં આપે તો હોય તો ડીઇઓ ડો. ભગિરથસિંહ પરમારનો સંપર્ક કરવો અથવા ઇ-મેલ કરીને જાણ કરી શકાશે.
