Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) અને BRTS દ્વારા શહેરમાં દૈનિક 7 લાખ મુસાફરોને સસ્તી અને સુલભ જાહેર પરિવહન સેવા આપવામાં આવી રહી છે.
હાલમાં AMTS અને BRTS હેઠળ અંદાજિત 1250 જેટલી બસો સંચાલિત થઈ રહી છે, જ્યારે આગામી બે વર્ષમાં વધુ 3 હજાર એસી.બસો ઉમેરવાની યોજના પણ બનાવવામાં આવી છે. શહેરમાં જાહેર પરિવહન વધુ કાર્યક્ષમ અને સમયબદ્ધ બને તે દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હવે ખાસ કામગીરી હાથ ધરવામાં આવી છે.
AMTS અને BRTSની અંદાજે 75 ટકા જેટલી બસો હાલમાં સમયસર સ્ટોપ ઉપર પહોંચી રહી હોવા છતાં કેટલાક રૂટ પર બસો સતત મોડું પડતી હોવાની ફરિયાદો સામે આવી રહી હતી. આ મુદ્દે AMC દ્વારા વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
સર્વે દરમિયાન શહેરના સાતેય ઝોનમાં કુલ 79 એવા મહત્વપૂર્ણ સ્થળો ઓળખવામાં આવ્યા હતા જ્યાં ટ્રાફિક દબાણ, રોડ ઉપર ગેરકાયદે પાર્કિંગ, દબાણો, લોકો દ્વારા રોંગ સાઈડ વાહન ચલાવવાની પ્રવૃત્તિ, ટ્રાફિક નિયમોના પાલનમાં બેદરકારી સંબંધિત સમસ્યાઓને કારણે બસોની ગતિ ધીમી પડી રહી હતી અને જેના કારણે બસો સમયસર ટ્રિપ પૂર્ણ કરી શકતી નહોતી.
AMCના સર્વેમાં સામે આવ્યું હતું કે, આવા ટ્રાફિક હોટસ્પોટ્સના કારણે ઘણી બસો સ્ટોપ સુધી સમયસર પહોંચી શકતી નહોતી, જેના સીધા પ્રભાવ રૂપે મુસાફરોને રાહ જોવી પડતી હતી અને સમગ્ર રૂટની સમયસૂચિ પ્રભાવિત થતી હતી. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન કેટલીક જગ્યાઓ ઉપર બસોને લાંબા સમય સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવું પડતું હતું.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને AMCના એસ્ટેટ વિભાગ, ટ્રાફિક વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગો દ્વારા સંયુક્ત કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના ઓળખાયેલા 79 સ્થળોએ ટ્રાફિક કન્ઝેશન દૂર કરવા માટે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ સાથે ગેરકાયદે પાર્કિંગ સામે કાર્યવાહી, ટ્રાફિક ડિસિપ્લિન જાળવવા માટે માર્ગ વ્યવસ્થા સુધારણા અને જરૂરી સ્થળોએ પાર્કિંગ સુવિધા ઉભી કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
આમ ટ્રાફિક અવરોધ દૂર થતાં AMTS અને BRTS બસો વધુ સમયબદ્ધ રીતે દોડી શકશે અને મુસાફરોને વધુ વિશ્વસનીય જાહેર પરિવહન સેવા મળશે. આગામી સમયમાં ઈલેક્ટ્રિક બસોની સંખ્યા વધારવાની સાથે ટ્રાફિક મેનેજમેન્ટ અને રૂટ ઓપ્ટિમાઇઝેશન ઉપર પણ વધુ ભાર મુકવામાં આવશે. જેથી શહેરની જાહેર પરિવહન વ્યવસ્થા વધુ આધુનિક, ઝડપી અને સુવ્યવસ્થિત બની શકે.
