Ahmedabad: એસ.જી.હાઇવે પર AMCનું નવું ટ્રાફિક મેનેજમેન્ટ મોડલ, ઇસ્કોન મંદિર પાસે 23 અને પેલેડિયમ મોલ નજીક 29 લોખંડના ડ્રમ્સ મૂકાયા

ટ્રાફિક જામ, ઈંધણ બર્નિંગ અને સમય બગાડને ઘટાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય સાથે અમદાવાદ કોર્પોરેશન, ટ્રાફિક પોલીસ અને SVNITના સંકલનથી ટ્રાફિક મોડલ તૈયાર કરાયું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 21 May 2026 08:48 PM (IST)Updated: Thu, 21 May 2026 08:48 PM (IST)
ahmedabad-news-amcs-new-traffic-management-model-on-sg-highway
HIGHLIGHTS
  • પેલેડિયમ મોલ જંકશન પર ડ્રમ્સ અને રોડ બેરિયર્સથી ટ્રાફિક સુવ્યવસ્થિત કરવાની શરૂઆત કરી
  • સિગ્નલ ફ્રી અને અવરોધમુક્ત ટ્રાફિક માટે કેપ્સુલ શેપ ટ્રાફિક વ્યવસ્થા ઉભી કરાઈ

Ahmedabad Traffic Management Model: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એસ.જી. હાઇવે પર આવેલ પેલેડિયમ મોલ જંકશન અને ઇસ્કોન મંદિર નજીક ટ્રાફિકને વધુ સુવ્યવસ્થિત અને અવરોધમુક્ત બનાવવા માટે ડ્રમ્સ તથા પ્લાસ્ટિક રોડ બેરિયર્સ મૂકીને ટ્રાફિક મેનેજમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે. સદર કામગીરી ટ્રાફિક પોલીસ વિભાગ, AMCના ઇજનેર વિભાગ તથા કન્સલ્ટન્ટ એસ.વી.એન.આઈ.ટી. સંસ્થાના સંકલનથી હાથ ધરવામાં આવી રહી છે.

AMC દ્વારા જણાવાયું હતું કે, જંકશન ઉપર આવતો ટ્રાફિક વિના અવરોધે સતત મુવિંગ રહે અને ચારેય દિશામાંથી સિગ્નલફ્રી ટ્રાફિક સરળતાથી પસાર થઈ શકે તે હેતુસર આ કામગીરી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ટ્રાફિક જામ, અકસ્માતોની શક્યતાઓ અને વાહનોની અનિયમિત અવરજવર જેવી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને નિષ્ણાત કન્સલ્ટન્ટ તથા ટ્રાફિક પોલીસ શાખાના સૂચનોના આધારે આ આયોજન અમલમાં મૂકવામાં આવ્યું છે.

ડ્રમ્સ મૂકવાની તથા કેપ્સુલ શેપ બનાવવાની કામગીરી 17 મે 2026ના રોજ શરૂ કરવામાં આવી હતી. સદર કામગીરી અંતર્ગત એસ.જી. હાઇવે પર ઇસ્કોન મંદિર નજીક 23 લોખંડના ડ્રમ્સ તથા પેલેડિયમ મોલ નજીક 29 લોખંડના ડ્રમ્સ મૂકવામાં આવ્યા છે. ઉપરાંત કુલ 54 પ્લાસ્ટિક રોડ બેરિયર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલ જે ભાગમાં કેપ્સુલ ખુલ્લો કરવામાં આવ્યો છે ત્યાં 25 પ્લાસ્ટિક રોડ બેરિયર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું AMC દ્વારા જણાવાયું હતું.

ડ્રમ્સ મૂકવા માટે કન્સલ્ટન્ટ એસ.વી.એન.આઈ.ટી. સંસ્થા દ્વારા ટેકનિકલ ટ્રાફિક સર્વે પણ કરવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસ, AMC તથા કન્સલ્ટન્ટ વચ્ચે સંકલન સાધીને જંકશન ઉપર ટ્રાફિક વ્યવસ્થા વધુ અસરકારક બને તે માટે ફ્લો ચાર્ટ આધારીત આયોજન તૈયાર કરવામાં આવ્યું છે.

naidunia_image

AMCના જણાવ્યા મુજબ, આ કામગીરીથી નાગરિકોને ટ્રાફિક જામમાં ઘટાડો થવાથી વાહનોના ઈંધણના બર્નિંગમાં ઘટાડો થશે તેમજ સમયની બચત થશે. સાથે જ પીક અવર્સ દરમિયાન ટ્રાફિક કનજેશનમાં ઘટાડો થવાની અને જંકશન ઉપર સતત મુવિંગ ટ્રાફિક મળવાની શક્યતા છે. ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ અકસ્માતોની સંભાવનામાં પણ ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

naidunia_image

હાલમાં સદર કામગીરી ટ્રાયલ બેઝ ઉપર અમલમાં મૂકવામાં આવી રહી છે અને સંપૂર્ણ અમલ બાદ નાગરિકોનો પ્રતિસાદ જાણી શકાશે. AMCએ વધુમાં જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આ કામગીરીનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જો આ પ્રયોગ સફળ સાબિત થશે તો શહેરના અન્ય જંકશનો ઉપર પણ આવી ટ્રાફિક મેનેજમેન્ટ વ્યવસ્થા અમલમાં મૂકવાની યોજના પર વિચારણા કરવામાં આવશે.