Gujarat Police Operation Milap: ગુજરાતભરમાં કેટલાય પરિવારો ખોવાઈ ગયેલા સ્વજનની ભાળ મળે તેની રાહ જોઇને બેઠા છે, તેમના ચહેરા પર હવે સ્મિત રેલાયુ છે. ગુજરાત પોલીસે તાજેતરમાં વર્ષ 2007થી ગુમ થયેલા લોકોને શોધવા માટે 'ઓપરેશન મિલાપ' લોન્ચ કર્યું છે અને માત્ર બે અઠવાડિયામાં જ 701 લોકોને શોધી કાઢવામાં આવ્યા છે.
આ ઓપરેશન મિલાપને કારણે, કોઈ ગુમ થયેલી દીકરી ઘરે પરત ફરી છે તો, કોઈ માતા પોતાના સંતાન સાથે વર્ષો પછી ફરી મળી છે. કોઈ પરિવારે દાયકાઓ પહેલાં સ્વજનને મળવાની આશા છોડી દીધી હતી, તેને આખરે પોતાના પ્રિયજન ક્યાં રહે છે તેની માહિતી મળી છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ગુજરાત પોલીસે ગુમ થયેલા વ્યક્તિઓને શોધી કાઢવા માટે વિશેષ અભિયાન હાથ ધર્યુ છે. પોલીસને આ માટે જરૂરી તમામ સંશાધનો ઉપલબ્ધ થાય તેની વ્યવસ્થા કરી છે. અભિયાનની સફળતા એ છે કે, રાજ્યભરના પોલીસ સ્ટેશનો દ્વારા 7 મે થી 21 મે દરમિયાન કુલ 701 લોકોનો શોધી કાઢવામાં આવ્યા છે. તેમને પરિવારો સાથે મિલન કરાવ્યું છે.
મે મહિનાનાં પ્રથમ સપ્તાહમાં શરૂ કરાયેલા આ વિશેષ અભિયાન હેઠળ ગુજરાતના દરેક પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકોને લાંબા સમયથી બાકી રહેલા ખોવાયેલા લોકોનાં કેસોને ફરી ખોલવા, તેમની સમીક્ષા કરવા અને ઉંડાણપૂર્વક રીતે તપાસ કરવા સૂચના આપી છે.
ગુજરાત પોલીસના જણાવ્યા મુજબ, વર્ષ 2007થી અત્યાર સુધી રાજ્યભરમાં 24,767થી વધુ લોકો ગુમ થયાના કેસ નોંધાયા છે. ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત પોલીસ ટીમો હવે જૂની ફાઇલો ફરી તપાસી રહી છે, ડિજિટલ પુરાવા અને ટેકનિકલ માહિતીનું વિશ્લેષણ કરી રહી છે અને વર્ષોથી પોતાના સગાંઓને શોધતા પરિવારોનો ફરી સંપર્ક કરી રહી છે.
VIDEO | Gandhinagar, Gujarat: Under Gujarat Police’s statewide ‘Operation Milap’, 701 missing persons have been traced and reunited with their families within two weeks. The special drive, launched under the guidance of Gujarat Police Chief K. L. N. Rao, focuses on reopening old… pic.twitter.com/Xrhcgq1N7s
— Press Trust of India (@PTI_News) May 21, 2026
CID ક્રાઇમ અને રેલવે (મહિલા સેલ) ના અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP) અજય ચૌધરીએ જણાવ્યું હતું કે, “આ ઓપરેશન આયોજનબદ્ધ રીતે શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ડેટા, ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને માનવ ગુપ્તચર માહિતીના આધારે ખોવાયેલા માણસોને શોધવામાં આવે છે. પોલીસ અધિકારીઓને સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે. આ સઘન પ્રયાસોને કારણે વર્ષોથી ગુમ થયેલા લોકોને શોધવામાં અમને સફળતા મળી રહી છે.”
છેલ્લા બે અઠવાડિયામાં મળી આવેલા 701 લોકોમાં 19 સગીર છોકરાઓ, 97 સગીર છોકરીઓ, 417 મહિલાઓ અને 168 પુરુષોનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું છે કે, આ અભિયાન હજુ ચાલુ રહેશે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ અભિયાન માત્ર ગુમ થયેલા લોકો શોધવા પૂરતું મર્યાદિત નથી. તપાસ દરમિયાન માનવ તસ્કરી કરતી ગેંગ, બાળ તસ્કરી તથા નવજાત બાળકોની વેચાણ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ગુનાહિત નેટવર્કને તોડી પાડવાનો એક મક્કમ પ્રયાસ છે.
'ઓપરેશન મિલાપ' અંતર્ગત દસ વર્ષથી ગુમ મહિલા તેના બાળક સાથે મળી આવી.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની 23 વર્ષીય પરિણીત મહિલા 2016માં પોતાના પાંચ વર્ષના પુત્ર સાથે ગુમ થઈ ગઈ હતી. તેના પતિએ પોલીસને જણાવ્યું હતું કે તે પિયર ગઈ હતી અને પછી પરત ફરી નહોતી.
દસ વર્ષ પછી ‘ઓપરેશન મિલાપ’ હેઠળ પોલીસે ફરી આ કેસની તપાસ શરૂ કરી અને તપાસ માટે પોલીસે પરિવારજનોનો ફરી સંપર્ક કર્યો. ગુમ થયેલી મહિલાના પતિએ જણાવ્યું કે, થોડા મહિનાઓ પહેલા તેની પત્નીને સોશિયલ મીડિયા પર જોઈ હતી.
આ માહિતી પછી પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મની તપાસ કરી અને જાણવા મળ્યું કે, મહિલા હાલમાં રાજકોટમાં બીજા પતિ સાથે રહે છે અને ગરબા ક્લાસ ચલાવે છે. જે પુત્ર બાળપણમાં તેની સાથે ગુમ થયો હતો, તે હવે 15 વર્ષનો છે.
ઉંડાણપૂર્વકની તપાસમાં બહાર આવ્યું કે, મહિલાએ પારિવારિક વિવાદોને કારણે પોતાના પતિને છોડી દીધો હતો અને 2016માં ફરી લગ્ન કરી રાજકોટ રહેવા લાગી હતી.
પોલીસ અધિકારીઓ કહે છે કે આવા કેસો ખોવાયેલી વ્યક્તિ પાછળ માનવ જીવનની જટિલ પરિસ્થિતિઓ જવાબદાર હોય છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'ગુમ થવા પાછળ અનેક કારણો હોઈ શકે છે — પારિવારિક ઝઘડા, વૈવાહિક મતભેદ, પરીક્ષાનો તણાવ, નિષ્ફળ પ્રેમ-સંબંધો, આર્થિક મુશ્કેલીઓ અને ગુનાહિત શોષણ.'
પોલીસની 15 પોઇન્ટની SOP
ખોવાયેલા લોકોને શોધવા માટે ગુજરાત પોલીસે તમામ પોલીસ સ્ટેશનોને 15 મુદ્દાવાળી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) પણ મોકલી છે. જેમાં કેસ ફાઇલો ફરી ખોલવી, ફરિયાદીનો સંપર્ક કરવો, ડિજિટલ અને ટેકનિકલ પુરાવાનો અભ્યાસ કરવો, સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ ટ્રેક કરવી, પરિવહન કેન્દ્રો અને આશ્રયસ્થાનોની તપાસ કરવી, જાહેર સ્થળોની મુલાકાતો લેવી અને શંકાસ્પદ માનવ તસ્કરો તથા વારંવાર ગુના કરનારાઓની પૂછપરછ કરવાનો સમાવેશ થાય છે.
પોલીસ અધિકારીઓને ગુમ થયેલા લોકોના મોબાઇલ ફોનને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ હેઠળ રાખવા, છેલ્લું સક્રિય સ્થાન ટ્રેક કરવા અને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તથા વોટ્સએપ જેવી સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓની તપાસ કરવા પણ સૂચના આપવામાં આવી છે.
તપાસકર્તાઓ સરકારી હોસ્પિટલોની પોસ્ટમોર્ટમ રૂમની પણ તપાસ કરી રહ્યા છે, અજાણી લાશોના ફોટોગ્રાફ્સને ગુમ થયેલા લોકોના રેકોર્ડ સાથે મેચ કરી રહ્યા છે અને અપહરણ તથા માનવ તસ્કરીના કેસોમાં અગાઉ ધરપકડ કરાયેલા શંકાસ્પદોની પૂછપરછ પણ કરી રહ્યા છે.
ગુજરાતમાં ગુમ થયેલા લોકોમાં મહિલાઓ, બાળકો અને કિશોર-કિશોરીઓ પણ છે. ગુજરાત પોલીસ આ વાતને ગંભીરતાથી લઇ રહી છે. ગુજરાત પોલીસ માટે ‘ઓપરેશન મિલાપ’ માત્ર એક પોલીસ અભિયાન નથી. અનેક પરિવારો માટે આ લાંબા સમયથી રાહ જોવાતું પુનર્મિલન છે.
