Surat News: સુરત શહેરના બમરોલી વિસ્તારમાં આવેલા ડુંડી ગામ નજીક બમરોલી ખાડી પાસેના ખુલ્લા પ્લોટમાં પડેલા પ્લાસ્ટિક વેસ્ટના જથ્થામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્લાસ્ટિકના કચરાને કારણે આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર વિભાગની 4 ગાડીએ સતત એક કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
4 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે દોડી
આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતાં તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા ભીમરાડ, ભેસ્તાન, ઉન અને વેસુ એમ 4 અલગ-અલગ ફાયર સ્ટેશનની 4 ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.
ફાયરના જવાનો ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવ્યો હતો. આશરે 1 કલાકની ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.
આગ લાગવાનું કારણ અકબંધ, જાનહાનિ નહીં
હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. જોકે, ખુલ્લા પ્લોટમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વેસ્ટ કોણે ઠાલવ્યો હતો અને તેમાં આગ કેવી રીતે લાગી તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. પ્લાસ્ટિક વેસ્ટ ગેરકાયદેસર રીતે ઠાલવવામાં આવ્યો હતો કે કેમ તે મુદ્દે પણ તપાસની જરૂરિયાત ઊભી થઈ છે. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
આ પણ વાંચો
કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાયા
આગ એટલી વિકરાળ હતી કે તેના કારણે કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકોનાટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. ખુલ્લા પ્લોટમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો પડ્યો હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી.
