Surat Doctor Ragging: સુરતની સિવિલ હોસ્પિટલમાં રેસીડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે બ્રહ્મ સમાજ અને મહિલા વકીલો દ્વારા સુરત પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. મહિલા વકીલે માંગ કરી છે કે, આ કેસમાં ૪ ડોકટરોને માત્ર 6 મહિના માટે જ નહી પરંતુ પરમેનેન્ટ ડીસમીસ કરવા જોઈએ
આ અંગે એડવોકેટ પ્રીતિ જોષીએ જણાવ્યું કે, આજરોજ મહિલા વકીલ અને સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ અહી ઉપસ્થિત છે. આજે પોલીસ કમિશ્નરને રૂબરૂમાં લેખિત આવેદન પત્ર આપીને માંગણી કરી છે કે, હાલમાં ડો. હર્ષ પંડ્યાને આપઘાત કરવા માટે દૈનિક પત્રો થકી જાણવા મળ્યું છે કે તેઓ સાથે સતત કેટલાક સમયથી રેગીંગ થતું હતું.
4 ડોકટરો દ્વારા જે રીતે રેગીંગ કરવામાં આવતું હતું, તેના કારણે ડો હર્ષ પંડ્યાએ આપઘાત કરવો પડ્યો. ખરેખર આવી વિકૃત માનસિકતાને ઉગતી ડામવાની જરૂર છે. 4 ચાર ડોક્ટરોને માત્ર 6 મહિના માટે સસ્પેન્ડ કરવાના નિર્ણયનો અમે વિરોધ કરીએ છીએ. ખરેખર આવા ડોકટરોને પરમેનેન્ટ ડીસમીસ કરવા જોઈએ અને કોઈ પણ હોસ્પિટલ કે તબીબી ક્ષેત્રોમાં આવા ડોકટરોને નોકરી ન આપવી જોઈએ.
વધુમાં જણાવ્યું હતું કે, આવા ડોકટરોને સાથ આપનાર જો ઉપરી અધિકારી હોય, HOD હોય કે અન્ય અધિકારી કે હોદેદાર હોય તેઓને પણ ગુનામાં અપ્રત્યક્ષપણે સામેલગીરી ગણીને આપઘાતનું દુષ્પ્રેરણ કરવા બદલ તેઓ સામે પણ ફોજદારી કાર્યવાહી થવી જોઈએ.
એન્ટી રેગીંગ સ્કવોડ કમિટીએ શું તપાસ કરી, કેટલા ડોક્ટરોના નિવેદનો લીધા, અગાઉ કેટલા ડોકટરો સાથે આવું બન્યું હોય, તો તેવા સંજોગોમાં સીસીટીવી કેમેરાની કોઈ તપાસ કરી છે, સુસાઈડનોટ મળી છે, વોટ્સએપની ચેટ કે મેસેજો થયા છે તો એવા તમામ પુરાવા શું એફએસએલમાં મોકલવામાં આવ્યા છે? આ બધી બાબતોએ એ સૂચવે છે કે હર્ષ પંડ્યાને ન્યાય મળે તે માટે સમસ્ત બ્રહ્મ સમાજ આજે એકત્ર થયા છે.
જેથી કરીને આવા કોઈ નિર્દોષ વ્યક્તિને રંજાય નહી અને આવા વિકૃત આનંદ માણતા અને પૈસા અને રાજકીયવગના જોરે જે પોતે આવું કરી રહ્યા છે તો તેવા સંદર્ભે અમારી માંગણી એવી પણ છે કે જો એવું લાગે કે તપાસમાં ક્ષતિ છે ત્યારે CBI તપાસ કરવાની માંગણી પણ અમે અહિયાં જણાવી છે જેથી હર્ષ પંડ્યાને ન્યાય મળી શકે અને કડકમાં કડક કાર્યવાહી થઇ શકે.
