Surat News: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ નજીકથી એક યુવક-યુવતી ઇજાગ્રસ્ત હાલતમાં હતા બંનેના ગળા પર ઈજાના નિશાન હતા. આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા યુવતીનું મોત થઇ ચુક્યું હતું. જ્યારે યુવક ઇજાગ્રસ્ત હોય તેને 108ની મદદથી સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સુરત જિલ્લાના માંગરોળના વાંકલ- બોરિયા માર્ગ પર આ ઘટના બની હતી અહી યુવતી મૃત હાલતમાં હતી. જયારે યુવકને ગળાના ભાગે ઈજાના નિશાન હતા. બનાવની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં યુવકનું નામ સુરેશ જોગી છે તેની હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સુરત ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસર પણ સિવિલ હોસ્પિટલ પહોચ્યા હતા. મૃતક યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હોવાનું હાલ પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ઘાયલ યુવકની પૂછપરછ માટે તબીબ મંજૂરી આપે તેની પોલીસ રાહ જોઈ રહી છે ત્યારબાદ સમગ્ર રહસ્ય પરથી પડદો ઉંચકાય તેવી શક્યતા છે.
સુરત ગ્રામ્ય પોલીસના સુપરિન્ટેન્ડન્ટ હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, આજે સવારે 9 વાગ્યાની આસપાસ માંગરોળ પોલીસ સ્ટેશનના વાંકલ ગામમાં હાઈવેથી 500 મીટર અંદર એક 20થી 25 વર્ષના યુવક અને યુવતીને ગળાના ભાગે ઈજા થઇ હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી ત્યાં જઈને જોયું તો યુવતીનું મોત થઇ ચુક્યું હતું અને યુવકને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હાલ યુવકની સારવાર ચાલી રહી છે.
પ્રાથમિક જે માહિતી મળી છે તે મુજબ યુવક-યુવતી મિત્ર હતા અને આજે સવારે બંને વચ્ચે મોબાઈલ પર વાતચીત થઇ હતી અને વાતચીત થયાના 15 મિનીટ બાદ આ બનાવ બન્યો છે. આ ઘટના કેવી રીતે બની, કારણ શું છે વગેરે તપાસ હાલ કરવામાં આવી રહી છે. યુવતીનું ફોરેન્સિક પીએમ પણ ચાલી રહ્યું છે. યુવકની સારવાર ચાલી રહી છે અને ડોક્ટર પરવાનગી આપશે ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવશે અને ઘટના શું બની હતી અને તેનું કારણ શું છે તે ત્યારબાદ સામે આવશે.