Surat: શહેરના અઠવાલાઈન્સ વિસ્તારમાં પરસ્ત્રીના પ્રેમમાં અંધ બનેલા પતિએ પત્ની પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં પતિના અસહ્ય મારથી ગર્ભસ્થ શિશુનો મોત થયું હોવાના આક્ષેપ સાથે પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનની હદમાં રહેતી 20 વર્ષીય યુવતીએ આજથી 3 વર્ષ પહેલા સદ્દામ નાસિર પઠાણ નામના યુવક સાથે નિકાહ કર્યા હતા. જેના થકી યુવતીને 2 વર્ષનો એક પુત્ર છે.
લગ્નના 1 વર્ષ સુધી સારું રાખ્યા બાદ પતિ સદ્દામ પઠાણે પોતાનું પોત પ્રકાશ્યું હતુ. સદ્દામને લીંબાયત મીઠીખાડી વિસ્તારમાં રહેતી અન્ય એક મહિલા સાથે પ્રેમસબંધ બંધાયો હતો. આ મામલે ફરિયાદી પરિણીતાએ પતિને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પતિએ પત્નીને ગાળો ભાંડીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતુ.
આ પણ વાંચો
આ દરમિયાન ગત 10 ઓગસ્ટના રોજ ફરિયાદી પરિણીતા પોતાના સસરાના ઘરે કપડા લેવા ગઈ, ત્યારે તેને જોઈને પતિ સદ્દામ ઉશ્કેરાઈ ગયો હતો અને બેરહેમીથી ફટકારવા લાગ્યો હતો. માથે ખૂન સવાર થતાં સદ્દામે ગળું દબાવીને ગર્ભવતી પત્નીના પેટમાં આડેધડ લાતો મારી હતી. જેના પગલે પરિણીતાને પેટમાં તીવ્ર દુખાવો ઉપડતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબી તપાસમાં ગર્ભસ્થ શિશુનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતુ.
આટલું જ નહીં, સદ્દાએ પત્નીને ધમકી આપી હતી કે, જો ઘરની બહાર જઈશ, તો એસિડ નાંખીને જાનથી મારી નાંખીશે. આ સમગ્ર મામલે પરિણીતાની ફરિયાદના આધારે અઠવા લાઈન્સ પોલીસે પતિ સદ્દામ પઠાણ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
