Surat: શહેરના નાનપુરા વિસ્તારમાંથી શ્રમિક પરિવારની 4 મહિનાની દીકરીને રમાડવાના બહાને લઈને એક મહિલા અને પુરુષ અપહરણ કરીને ફરાર થઇ ગયા હતા.
આ સમગ્ર મામલો અઠવા પોલીસ મથકે પહોચતા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરીને બારડોલીથી બાળકીનું અપહરણ કરનાર દંપતીને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી દંપતી બાળકને સાથે રાખે તો ભિક્ષા વધુ મળે તે હેતુથી બાળકીને ઉઠાવીને લઇ ગયા હતા.
સુરતમાં ફૂટપાથ પર રહેતા નીતાબેન શૈલેષભાઈ રંગજીભાઈ ચંદાણા ગત 11 માર્ચના રોજ નાનપુરા મટન માર્કેટ પાસે હાજર હતા, ત્યારે તેમની 4 મહિનાની બાળકીને એક પુરુષ અને એક મહિલાએ રમાડવાના બહાને લીધી હતી. જે બાદ નીતાબેન અને તેમના પતિની નજર ચૂકવીને મહિલા અને પુરુષ બાળકીનું અપરહણ કરીને ફરાર થઇ ગયા હતા.
આ સમગ્ર મામલો અઠવા પોલીસ મથકે પહોચ્યો હતો. બાળકીના અપહરણની ઘટનાને લઈને પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
ગુનો દાખલ થયાના 19 કલાક પહેલા બાળકીનું અપરહણ થયું હતું તેમજ જે સ્થળેથી બાળકીનું અપહરણ થયું તે જગ્યાએ ટેકનીકલ સપોર્ટનો અભાવ હતો. તેમજ ભોગ બનનાર માતા નિરક્ષર હોવાથી તે આરોપીઓનું સ્પષ્ટ વર્ણન આપી શકતી નહોતી. જેથી પોલીસ માટે પણ આરોપીઓનું પગેરું મેળવવું પડકાર જનક બન્યું હતું.
બીજી તરફ સુરત શહેર ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસે અસંખ્ય CCTV ફૂટેજ ચેક કર્યા તેમજ હાલમાં રમઝાન માસ ચાલુ હોય મસ્જિદો બહાર દાન દક્ષિણાની લાઈનમાં પણ પોલીસે પોતાના માણસો તપાસ માટે રોક્યા હતા. આ ઉપરાંત અવાવરું જગ્યાઓ, રેલ્વે સ્ટેશનો, બસ સ્ટેશનો, જમાતખાનાઓ, ધર્મ શાળાઓ જેવી અસંખ્ય મિલકતો પણ ટૂંકા ગાળામાં તપાસ કરી હતી.
આ દરમ્યાન પોલીસને CCTV ફૂટેજની તપાસમાં જાણવા મળ્યું હતું કે, બાળકીનું અપહરણ કરનાર આરોપીઓ બાળકીને નાનપુરા વિસ્તારમાંથી ઉઠાવીને છેલ્લે ઉધના દરવાજા વિસ્તારમાં ગયા છે. આથી પોલીસની ટીમે તે વિસ્તારની મોટાભાગની તમામ ઝૂપડપટ્ટીઓ ખુંદી વળી હતી.
આ ઉપરાંત પોલીસે સુરત શહેરના જેટલા પણ નાના મોટા ઓવરબ્રિજ આવેલા છે. તેની નીચે પણ છૂટીછવાઈ વસાહતો હોય ત્યાં પણ આરોપીની તપાસ કરી હતી પરંતુ પોલીસને સફળતા મળી ન હતી
પોલીસને તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે એક દંપતીને નાના બાળક સાથે ટ્રેનમાં બેસીને બારડોલી તરફ ગયા છે. જેથી પોલીસની ટીમ તાત્કલિક બારડોલી પહોચી હતી અને બારડોલી રેલ્વે પોલીસને સંપર્ક કર્યો હતો.
