Ahmedabad: કાલુપુર જંકશનનો AC વેઈટિંગ હોલ મુસાફરોનો ફેવરિટ બન્યો, એક લાખથી વધુ મુસાફરોએ લાભ લીધો; રૂ.25 લાખની આવક

એ.સી.વેઈટિંગ હોલમાં સ્વચ્છ શૌચાલય, અખબાર, કેન્ટીન અને બેબીકેર જેવી સુવિધા હોવાથી ફેમિલી સાથે ટ્રાવેલ કરનારા લોકો માટે તે આશીર્વાદ સમાન બની રહ્યું છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 13 Mar 2026 07:36 PM (IST)Updated: Fri, 13 Mar 2026 07:36 PM (IST)
ahmedabad-news-ac-waiting-hall-at-kalupur-junction-becomes-passenger-favorite
HIGHLIGHTS
  • AC વેઈટિંગ હોટલનો ઉપયોગ કરવા માટે વ્યક્તિદીઠ પ્રતિકલાક રૂ. 20નો ચાર્જ લેવાય છે
  • મુસાફરો એક કલાક કરતાં વધુ સમય માટે આ સુવિધાનો લાભ લેવા લાગ્યા

Ahmedabad: અમદાવાદ સ્થિત કાલુપુર જંકશન પરનો એસી વેઇટિંગ હોલ મુસાફરો માટે લોકપ્રિય અને આરામદાયક જગ્યા બની ગયું છે. છેલ્લા ત્રણ મહિનામાં આ સુવિધાથી આશરે રૂ. 25 લાખની આવક થઈ છે.

આ સુવિધાનો ઉપયોગ કરવા માટે વ્યક્તિદીઠ પ્રતિ કલાક રૂ. 20નો ચાર્જ લેવામાં આવે છે અને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ મુસાફરો આ સુવિધાનો લાભ લઈ ચૂક્યા છે.

અહીં સ્વચ્છ શૌચાલય, અખબારો, કેન્ટીન અને બેબી કેર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેના કારણે ખાસ કરીને પરિવાર સાથે મુસાફરી કરનારાઓ માટે આ જગ્યા ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. મુસાફરો તરફથી સસ્તી કિંમત, આરામદાયક બેઠક વ્યવસ્થા અને સ્વચ્છ વાતાવરણ માટે સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.

ભારતીય રેલવેના અધિકારીઓ આ પહેલને સફળ મોડેલ ગણાવી રહ્યા છે અને ભવિષ્યમાં અન્ય મોટા રેલવે સ્ટેશનો પર પણ આવી સુવિધા શરૂ કરવાની યોજના પર વિચાર કરી રહ્યા છે.

લોકો એક કલાક કરતાં વધુ સમય માટે સુવિધાનો ઉપયોગ કરે છે

આ અંગે વિગતો આપતા પશ્ચિમ રેલવે ડિવિઝનના DRM વેદ પ્રકાશે જણાવ્યું કે, છેલ્લા 3 મહિનામાં આ સુવિધા થકી લગભગ 25 લાખ રૂપિયા સુધીની આવક થઈ છે. રેલવેની આ સુવિધાનો 1 લાખથી વધુ લોકો લાભ લઈ ચૂક્યા છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, લોકો એક કલાક કરતાં વધુ સમય માટે AC વેઈટિંગ રૂમની સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે.

જ્યારે અમદાવાદમાં રહેતા પ્રણવ ત્રિવેદી નામના મુસાફરે જણાવ્યું કે, જ્યારે મેં પ્લેટફોર્મમાં પ્રવેશ કર્યો, ત્યારે મને ખબર પડી કે અહીં AC વેઈટિંગરૂમની વ્યવસ્થા છે. જ્યા એસી અને યોગ્ય વેન્ટીલેશનની સુવિધા છે. આ સાથે જ કેન્ટિન, શૉવર અને પુરુષ અને મહિલાઓ માટે અલગ-અલગ વૉશરૂમની વ્યવસ્થા છે. મારા મતે અહીં બેસવાની ક્ષમતા પુરતી છે.

નાગપુરના વેપારી કેતન પટેલે જણાવ્યું કે, અહીં ખૂબ જ સારી સુવિધા છે. હું તેને 3 કે 5 નહીં, પરંતુ સીધા 10 સ્ટાર આપું છું. વૉશરૂમમાં પણ સારી રીતે સ્વચ્છતા જાળવવામાં આવી છે. આ સાથે અહીંની બેઠક વ્યવસ્થા અને કુશનિંગ પણ ખૂબ જ ઉત્તમ છે.