Surat Crime News: રાજસ્થાનથી 45 વર્ષનો આધેડ 19 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવીને ભગાડીને સુરત લઇ આવ્યો હતો. જ્યા સુરતમાં યુવતીની તબિયત લથડી હતી અને પ્રેમી ખભે ઉચકીને સ્મીમેર હોસ્પિટલ લઇ આવ્યો હતો, જ્યાં યુવતીનું મોત થયુ છે. બીજી તરફ પ્રેમી પ્રેમિકાને હોસ્પિટલમાં એકલી મૂકીને નાસી છૂટ્યો હતો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, દિલીપ નામના આધેડે રાજસ્થાનના ગુડામાલાણી ગામમાં રહેતી શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલી 19 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ તેને ભગાડીને સુરત લઇ આવ્યો હતો.
આ પણ વાંચો
સુરતમાં યુવતીની તબિયત લથડતા તેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ લઇ આવ્યો હતો. જ્યાં યુવતીની સારવાર ચાલુ હતી, ત્યારે તેને એકલી મૂકીને હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો હતો. બીજી તરફ સારવાર દરમ્યાન યુવતીનું મોત નીપજ્યુ છે.
હોસ્પિટલમાં પ્રેમિકાને દાખલ કર્યા બાદ દિલીપે પ્રેમિકાના પરિવારજનોને વોટ્સએપ પર ફોટા મોકલીને તમારી દીકરીની તબિયત ખરાબ છે, તેવો મેસેજ કર્યો હતો અને ત્યારબાદ ફોન બંધ કરી દીધો હતો.
મેસેજ મળતાં જ ગભરાયેલા પરિવારે સુરતમાં વસતા પોતાના સમાજના અગ્રણીઓને હોસ્પિટલ મોકલ્યા હતા. બીજી તરફ સમાચાર મળતા જ પરિવારજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પરિવારજનોએ દિલીપ સામે કડક કાર્યવાહી કરી ન્યાય આપવાની માંગ કરી હતી.
હાલ તો યુવતીના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. તો બીજી તરફ રાજસ્થાનથી યુવતીને ભગાડવામાં આવી હોય ત્યાંથી પણ પોલીસની એક ટીમ તપાસ માટે સુરત પહોંચી છે.
