Rajkot: થોરાળામાં સગીરા પર દુષ્કર્મ, કેટર્સમાં સાથે કામ કરતા યુવકે પ્રેમજાળમાં ફસાવી અલગ-અલગ સ્થળોએ લઈ જઈ ચાર વખત સબંધ બાંધ્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 26 Aug 2026 09:17 PM (IST)Updated: Wed, 26 Aug 2026 09:17 PM (IST)
rajkot-crime-news-minor-sexual-assault-by-co-worker-case-filed-at-thorala-police-station

Rajkot: રાજકોટ શહેરમાં સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરવા અથવા તો તેમની સાથે દુષ્કર્મ આચરવાના બનાવો અવારનવાર પોલીસ ચોપડે નોંધાતા રહે છે, ત્યારે આવી જ એક ગંભીર ઘટના થોરાળા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં પ્રકાશમાં આવી છે. જ્યાં 15 વર્ષની એક બાળા પર અવારનવાર શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ભોગ બનનાર સગીરા અગાઉ કેટર્સના કામકાજ અર્થે જતી હતી ત્યારે તેનો સંપર્ક ત્યાં જ સાથે કામ કરતા ભોમેશ્વર વિસ્તારના એક શખ્સ સાથે થયો હતો. આ શખ્સે શરૂઆતમાં સગીરાને પોતાના ફોન નંબર લખેલી એક ચબરખી આપીને વાતચીત કરવાની શરૂઆત કરી હતી. જે બાદ તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી.

સગીરાને વિશ્વાસમાં લીધા બાદ આરોપીએ તેણીને થોરાળા વિસ્તારમાંથી પોતાના વાહનમાં બેસાડીને અલગ અલગ સ્થળોએ લઈ જવાનું શરૂ કર્યું હતું. જેમાં આરોપી પોતે જે જગ્યાએ કામ કરતો હતો તે સ્થળ સહિતના અન્ય સ્થળોનો સમાવેશ થાય છે. આરોપીએ જુદા જુદા દિવસે બાળા સાથે ચારેક વખત દુષ્કર્મ આચર્યું હતું.

આટલું જ નહીં, આ દુષ્કર્મ બાદ તે બાળાને કોઈને પણ જાણ ન કરવા માટે જાનથી મારી નાંખવાની ગંભીર ધાકધમકીઓ આપતો હતો. આ સતત મળતી ધમકીઓના કારણે બાળા ભારે ગભરાઈ ગઈ હતી અને માનસિક તણાવમાં જીવી રહી હતી.

અંતે આરોપીના ત્રાસ અને ધમકીઓથી કંટાળીને બાળાએ હિંમત કરી પોતાના ઘરમાં પરિવારજનોને તમામ આપવીતી કહી સંભળાવી હતી. દીકરીની વાત સાંભળી પરિવારજનો ચોંકી ગયા હતા અને તુરંત જ થોરાળા પોલીસ સ્ટેશને પહોંચીને પોલીસને જાણ કરી હતી.

ભોગ બનનાર બાળાની માતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ, ધાકધમકી આપવા તેમજ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ આગળ ધપાવી છે.