Surat: આજથી 24 વર્ષ પૂર્વે અમદાવાદના વટવા GIDC પોલીસ મથકમાં એક મહિલાની હત્યાનો ગુનો નોંધાયો હતો, જેનો ભેદ ઉકેલવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને સફળતા મળી હતી. આ ગુનામાં 24 વર્ષથી ફરાર આરોપીને અમરેલી જિલ્લાના રાજુલા ગ્રામ્યના ખેતરમાંથી ઝડપી પાડ્યો છે.
અમદાવાદ શહેરના વટવા જીઆઈડીસી પોલીસ મથકમાં વર્ષ 2002માં એક મહિલાની હત્યાના ગુનામાં સંડોવાયેલો આરોપી શેખર ઉર્ફે ચંદ્રશેખર સમીભાઈ ઉર્ફે સર્બી યાદવ રાજુલા પાસે કોઈ ગામમાં ઓળખ છુપાવીને રહેતો હોવાની માહિતી સુરત ક્રાઈમ બ્રાંચને મળી હતી. આ બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ અમરેલીના રાજુલા પહોચી હતી અને ત્યાં ખેતરોમાં શોધખોળ કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી શેખર ઉર્ફે ચંદ્રશેખર સમીભાઈ ઉર્ફે સર્બી યાદવએ ગત 14-11-2002ના રોજ પોતાના ઘરે તેની બીજી પત્ની પ્રતિભા (36) તેના પ્રથમ પતિ સંજય નાગો પાટીલ સાથે છૂટાછેડા થયા હોવા છતાં સંજય સાથે સબંધ રાખતી હતી. જે આરોપી શેખર યાદવને જરાય ગમતું ન હતું.
ગળું દબાવીને પત્નીની હત્યા કર્યા બાદ લાશ પીપળામાં સંતાડી પતિ ફરાર
શેખરે પોતાની પત્ની પ્રતિભાને તેના પ્રથમ પતિ સાથે સબંધ રાખવાની ના પાડી હોવા છતાં તેણીએ તેના પૂર્વ પતિ સંજય સાથે સબંધ ચાલુ રાખ્યો હતો. આથી ગુસ્સામાં આવેલા શેખર યાદવે પત્ની પ્રતિભાનું ગળુ દબાવીને તેની હત્યા કરી હતી. જે બાદ લાશને અનાજના પીપડામાં નાખીને ઘર બંધ કરીને ફરાર થઇ ગયો હતો. ચારેક દિવસ બાદ જયારે ઘરમાંથી વાસ આવતા પોલીસને જાણ કરતા પોલીસે ઘરનું તાળું તોડીને અંદર તપાસ કરતા શેખર યાદવની પત્ની પ્રતિભાબેનની લાશ સડી ગયેલી હાલતમાં મળી આવી હતી. આ મામલે અમદાવાદ વટવા જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો
પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી શેખર ઉર્ફે ચંદ્રશેખર સમીભાઈ ઉર્ફે સર્બી યાદવના પહેલા લગ્ન માયા નામની મહિલા સાથે થયા હતા, જે પ્રેગનેન્સી દરમ્યાન મૃત્યુ પામી હતી. માયા થકી તેને સંતાનમાં એક દીકરી હતી. જે બાદ આરોપીએ તેના મિત્ર સંજય નાગો પાટીલની પત્ની પ્રતિભા સાથે લગ્ન કર્યા હતા. સંજ્ય સાથે પ્રતિભાને સંતાનમાં બે દીકરી અને એક દીકરો હતો.
સંજય સાથે પ્રતિભાના અણબનાવ અને ઝઘડા થતા હોય પોતાના જ મિત્રની પત્ની સાથે છૂટાછેડા લેવડાવ્યા બાદ શેખરે પ્રતીભા સાથે લગ્ન કર્યા હતા લગ્ન બાદ પ્રતિભા એક નાના દીકરાને લઈને શેખર સાથે રહેતી હતી, જયારે શેખર સાથે લગ્નજીવન દરમ્યાન સંતાનમાં એક દીકરો થયો હતો.
લગ્નના થોડા સમય બાદ સંજયને જાણ થઇ કે, તેની પત્ની પ્રતિભા તેના પૂર્વ પતિ સંજય સાથે સતત સંપર્કમાં છે. આ બાબતે તેઓની વારંવાર બોલાચાલી ઝઘડા થતા હતા. આ બનાવના દિવસે આરોપી શેખર રાતે આઠેક વાગ્યે નોકરી પરથી ઘરે આવ્યો હતો, ત્યારે પત્ની પ્રતિભા ઘરે હાજર ન હતી અને જમવાનું પણ બનાવ્યું ન હતું.
અડધો પોણો કલાક પછી જયારે પ્રતિભા ઘરે આવી અને જમવાનું પણ બનાવેલુ ન હોય અને સંજય સાથે આડા સબંધ ચાલુ રાખ્યા હોય તે બાબતે બોલાચાલી થતા ગુસ્સામાં આવીને શેખરે પત્ની પ્રતિભાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને લાશને પીપડામાં સંતાડી દીધી હતી.
રાતભર ઘરે રોકાયા બાદ વહેલી સવારે તે 6 માસ તેમજ 3 વર્ષના દીકરાને લઈને અમદાવાદ રેલ્વે સ્ટેશનથી હાવડા ટ્રેન પકડીને પોતાના વતન બિહાર ખાતે જતો રહ્યો હતો. જ્યાં ખેતીકામ અને મજૂરી કામ કરતો હતો. જે બાદ વર્ષ 2010માં આરોપીએ ત્રીજા લગ્ન રેણુદેવી સાથે કર્યા હતા તેના થકી સંતાનમાં 3 દીકરી અને 1 દીકરો થયો છે.
વધુમાં પોલીસથી બચવા આરોપી કલકત્તા ખાતે વેલ્ડીંગનું કામ 6 થી 7 વર્ષ કર્યું છે ત્યારબાદ અલગ અલગ જગ્યાએ ઝારખંડ, ઓરિસ્સા, છતીસગઢ, ઇન્દોર, મધ્યપ્રદેશ, ઉતરપ્રદેશ, દિલ્હી ખાતે વેલ્ડીંગની મજુરી કામ કરતો હતો. હાલમાં તે 15 દિવસ પહેલા જ ગુજરાતમાં રાજુલા ખાતે મજુરીકામ કરવા આવ્યો હતો દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો.
