Surat Stray Dog Attack CCTV: સુરતમાં વધુ એકવાર રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. જેમાં ડીંડોલીના સણિયા-ઈકલેરા ચોકડી નજીક સ્કૂલવાનના ડ્રાઈવર પર રખડતા કૂતરાએ હુમલો કરીને બચકા ભર્યા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.
વાનનો દરવાજો બંધ કરી રહેલા ડ્રાઈવર પર પાછળથી હુમલો કર્યો
સુરતના ડિંડોલીમાં સણિયા ઇકલેરા ચોકડી પાસે સવારે એક સ્કુલવાન ચાલક રોડની સાઈડ પર વાન ઉભી રાખી વાનની બહાર ઉભો હતો. આ દરમ્યાન એક મહિલા બાળકને સ્કૂલવાનમાં મૂકવા માટે આવી હતી. મહિલાએ જેવો બાળકને વાનમાં બેસાડ્યો અને દરવાજો બંધ કર્યો, ત્યારે અચાનક ત્યાં શ્વાન આવી પહોચ્યો હતો. આ શ્વાને વાન પાસે ઉભેલા ડ્રાઈવર પર હુમલો કરી દીધો હતો.
શ્વાને અચાનક હુમલો કરીને બચકું ભરતા ડ્રાઈવર રોડ પર પડી ગયો હતો. આમ છતાં શ્વાન હાથે અને પગે બચકાં ભરી લીધા હતા. આ દૃશ્ય જોઈને બાળકને મૂકવા આવેલી મહિલા પણ ગભરાઈ જાય છે અને ત્યાંથી દુર જતી રહે છે.
આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. બીજી તરફ શ્વાનના હુમલામાં સ્કૂલ વાનના ડ્રાઈવરને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક ધોરણે સ્થાનિકોની મદદથી ઈજાગ્રસ્ત ડ્રાઈવરને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.
