Rajkot: રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ નજીક આવેલા કોલેજીયન પાન પાસે આજે બપોરના સમયે ધોળા દિવસે હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. જેમાં બહેને સાત વર્ષ પહેલા કરેલા પ્રેમલગ્નનો ખાર રાખી તેના ભાઈએ બનેવી સાથે તકરાર કર્યા બાદ છરી વડે હુમલો કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા બનેવીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સહકાર રોડ પર રહેતા વિમલ વાણીયા (27)એ આજથી સાતેક વર્ષ પહેલા શીતલ નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાં હતા. આ પ્રેમલગ્નને લઈને શીતલના પરિવારજનો શરૂઆતથી જ વિરોધમાં હતા અને તેમણે દીકરી સાથેના સબંધો પણ કાપી નાંખ્યા હતા.
એવામાં આજે વિમલ ભક્તિનગર સર્કલ પાસે આવેલા કોલેજીયન પાન પાર્લર નજીક હતો, ત્યારે તેનો સાળો કમલેશ આવી પહોંચ્યો હતો. જ્યાં બન્ને વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન આવેશમાં કમલેશે પોતાની પાસે રહેલી છરી કાઢી બનેવી પર હુમલો કરી દીધો હતો.
સાળાએ વિમલની છાતી સહિતના ભાગોમાં ઉપરાછાપરી સાતેક ઘા ઝીંકી દીધા હતા. જેના પગલે ગંભીર રીતે ઘવાયેલ વિમલ વાણીયા ત્યાં જ ફસડાઈ ગયો હતો. જે બાદ તેને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
બીજી તરફ ધોળા દિવસે બનેલી હત્યાની ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ સાથે જ ક્રાઇમ બ્રાન્ચ અને LCB ઝોન-1ની ટીમો પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. હત્યા પાછળનું ચોક્કસ કારણ, અગાઉની તકરાર તથા હુમલા દરમિયાન અન્ય કોઈ વ્યક્તિ હાજર હતી કે કેમ તે સહિતના મુદ્દાઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
હત્યા બાદ ભક્તિનગર પોલીસે મૃતક વિમલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. આ મામે વિમલની પત્નીની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી આરોપી સાળા કમલેશની અટકાયત કરી છે. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
