Surat Jewellery Fraud: શહેરના યોગી ચોક વિસ્તારમાં રહેતા યુવકને સોશિયલ મીડિયા પર સસ્તામાં સોના-ચાંદીના દાગીનાની જાહેરાત જોઈને ખરીદી કરવી ભારે પડી છે. યુવકે ખરીદેલી સોનાની વીંટીમાંથી સોનું ગાયબ હતુ, જ્યારે કંદોરામાં પણ ભેળસેળ મળી આવી હતી. આ મામલે યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, યોગીચોકમાં રહેતો જસ્મીન કથીરિયા (19) એમ્બ્રોડરી ડિઝાઇનર તરીકે કામ કરે છે. જસ્મીને સોશિયલ મીડિયા પર જીગર ધનજીભાઈ માણીયાએ મૂકેલી રીલ્સ જોઈ હતી.
પોતાને દાગીના ખરીદવા હોવાથી કાપોદ્રા ચાર રસ્તા નજીક લાભધર્મ કોમ્પલેક્સમાં આવેલ સુરત જેમ્સ એન્ડ જ્વેલર્સ નામે દુકાન ધરાવતા જીગર માણિયાને મળ્યા હતા. જ્યાંથી જસ્મીને રૂ. 3296માં 9 કેરેટની વાઈટ ગોલ્ડની રીંગ ખરીદી હતી. જે બાદ 31 જુલાઈના રોજ રૂ.92,700માં 365.800 ગ્રામનો ચાંદીનો કંદોરો પણ ખરીદ્યો હતો.\
લેબ્રોન ડાયમંડની જગ્યાએ ખોટો ડાયમંડ નીકળ્યો, બિલ પણ એક જ દિવસનું બનાવ્યું
દાગીના ખરીદ્યા બાદ જસ્મીનને ગોલ્ડની ગુણવત્તા પર શંકા જતાં બે જગ્યાએ હોલ માર્કિંગ સેન્ટર ખાતે ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 9 કેરેટની સોનાની વીંટમાં ગોલ્ડની જગ્યાએ ચાંદી હોવાનું માલૂમ પડ્યું હતુ. જ્યારે ચાંદીના કંદોરામાં પણ માત્ર 51 ટકા જ શુદ્ધતા મળી આવી હતી. જ્યારે બિલમાં 100 ટકા શુદ્ધ ચાંદીના એક ગ્રામના 226 ગણી તથા સ્ટોન અને ડાયમંડનું વજન પણ ચાંદીના વજનમાં ગણી લીધું હતું.
તેમજ ખરીદી અલગ-અલગ દિવસે કરી હોવા છતાં બિલ પણ એક જ દિવસના આપવામાં આવ્યા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા જસ્મીનએ વરાછા પોલીસ મથકે સુરત જેમ્સ એન્ડ જેવલર્સના પ્રોપરાઇટર જીગર માણીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ અંગે વિગતો આપતા જસ્મીન કથીરિયાએ જણાવ્યું કે, સુરત જેમ્સ એન્ડ જવેલર્સ નામની ઈન્સ્ટાગ્રામ ID પર પોસ્ટ કરેલી રીલ્સમાં જોયેલી વીંટી પસંદ આવતા, મેં દુકાને પહોંચીને વીંટી ખરીદી કરી હતી. જે બાદ ઘરે પ્રસંગ આવતો હોવાથી, મેં ત્યાંથી જ ચાંદીના જુડાની પણ ખરીદી કરી હતી.
જો કે ઘરના વડીલોએ ચાંદીનો ઝૂડો જોઈને કહ્યું કે, આમાં પુરુ ચાંદી નથી લાગતુ. આથી મે લેબ ટેસ્ટ કરાવ્યો, તેમાં રિપોર્ટમાં 52 ટકા જ ચાંદી જોવા મળી હતી. આમ છતાં સંતોષ ના થતા મે બીજી જગ્યાએ પણ લેબ ટેસ્ટ કરાવ્યો, પરંતુ એક જ પરિણામ આવતા મને વીંટી પર પણ શંકા ગઈ હતી.
મેં 9 કેરેટ ગોલ્ડની વીંટી ચેક કરાવી, તો તેમાં પણ ગોલ્ડની જગ્યાએ ચાંદી નીકળી. તેમાં ઉપર લેબ્રોન ડાયમંડની જગ્યાએ ખોટો ડાયમંજ નીકળ્યો હત.ો આ મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
