Rajkot Child Torture Cricket Dispute: રાજકોટ શહેરના પુનીતનગર વિસ્તારમાં આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં માનવતાને શર્મશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ક્રિકેટના નજીવા ઝઘડામાં 10 વર્ષના એક બાળકને ગરમ તાવીથા વડે છાતીના ભાગે ચાર-ચાર ડામ આપી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હોવાની ઘટના બની છે.
આ અંગે માસુમ બાળકની માતા નીતાબેન રાકેશભાઈ કુવરીયાએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 137(2), 118(1), 54 તેમજ જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ 75 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો
'આને મારા ઘરે લઈ લે..' કહી બાળકને જબરદસ્તીથી ઉઠાવી ગયા
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, પુનીતનગર વિસ્તારમાં રહેતા ફરિયાદીનો 10 વર્ષનો પુત્ર ઘર પાસેની શેરીમાં અન્ય બાળકો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો. તે સમયે ત્યાં આવેલા નવઘણ જીલુભાઈ કુવરીયા (મૂળ રહે. અમદાવાદ) અને હાર્દિક મહેશભાઈ દંતાણી (રહે. રાજકોટ) નામના બે શખ્સોએ બાળક પાસે રમવા માટે ક્રિકેટનો દડો માગ્યો હતો.
જયેશે બોલ આપવાની ના પાડતા બંને આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. નવઘણે જયેશને પોતાના બે પગ વચ્ચે દબાવી દીધો હતો અને હાર્દિકે ’આને મારા ઘરે લઈ લે’ તેમ કહેતા નવઘણ બાળકના ઘર પાસેથી જ તેનું બળજબરીપૂર્વક અપહરણ કરી ઉચકીને હાર્દિકના ઘરે લઈ ગયો હતો. હાર્દિકના ઘરમાં જઈને હાર્દિકે રસોડામાંથી તાવીથો ગરમ કરી નવઘણને આપ્યો હતો.
કપડા બદલાવતી વખતે બાળકના શરીર પર દાઝેલાના ડાઘ જોતા માતા ચોંકી
જે બાદ નવઘણે લાલચોળ ગરમ તાવીથા વડે જયેશને છાતીના ભાગે એક પછી એક ચાર વખત ડામ આપ્યા હતા. બાળકે બૂમાબૂમ કરી મુકતા આરોપીઓએ તેને છોડી દીધો હતો, જેથી ગભરાયેલો બાળક ઘરે ભાગી આવ્યો હતો.
બીજા દિવસે સવારે જ્યારે માતા બાળકના શાળાએ જવા માટે કપડા બદલાવતા હતા, ત્યારે છાતી પર દાઝેલાના ચાર ડાઘા જોઈને પૂછપરછ કરતાં માસૂમ બાળકે પોતાની સાથે બનેલી આપવીતી જણાવી હતી. જે બાદમાં પરિવારે બાળકને તાત્કાલિક સ્થાનિક તબીબ ડો. ગોસ્વામી પાસે લઈ જઈને સારવાર અપાવી હતી.
આ બનાવ બાદ પીડિત પરિવારે આરોપીઓના માતા-પિતા સાથે વાતચીત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી હતી. જો કે આરોપીના પરિવારે જામીન રાખીને સામાજિક સ્તરે સમાધાન કરી લેવાની વિનંતી કરી હતી. સમાજની રીતે મામલો સુલઝાવવાની આટલા સમયથી વાટાઘાટો ચાલતી હોવાથી પોલીસ ફરિયાદ કરવામાં વિલંબ થયો હતો.
જો કે લાંબો સમય વીત્યા છતાં કોઈ યોગ્ય સમાધાન ન થતાં અંતે બાળકની માતાએ હિંમત દર્શાવી પોલીસનો સંપર્ક કર્યો હતો. હાલ રાજકોટ તાલુકા પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. એ.બી. ચૌધરી ચલાવી રહ્યા છે.
