સુરત મનપામાં ભાજપની પ્રચંડ જીત પર સી.આર.પાટીલનો વિપક્ષને ટોણો- 'સમજદાર જનતાએ AAPને તેની સાચી જગ્યા બતાવી દીધી'

સુરત મનપામાં ગઈ વખતે ભાજપ પાસે 93 બેઠકો હતી, જે વધીને 115 પર પહોંચી ગઈ છે. જ્યારે આમ આદમી પાર્ટીને 4 અને કોંગ્રેસને એક બેઠક પર જીત મળી. નકારાત્મક પ્રચાર કરનારા ઘરભેગા થયા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 28 Apr 2026 07:46 PM (IST)Updated: Thu, 30 Apr 2026 11:35 AM (IST)
surat-civic-poll-results-2026-voters-reject-aap-claims-bjp-wins-big-says-cr-patil
HIGHLIGHTS
  • જ્યાં ભાજપની પેનલ હારી, ત્યાં વિકાસના કામોમાં ભેદભાવ નહીં રાખવાનું આશ્વાસન

Surat: ગુજરાતમાં યોજાયેલી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય હાંસલ કર્યો છે. આ જીતને વધાવતા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા અને સુરતની જીતને ઐતિહાસિક ગણાવી હતી.

સુરતમાં 'આપ' નો સફાયો, ભાજપનો દબદબો

સી.આર. પાટીલે જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકામાં ભાજપે ગત વખતનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. 30 વર્ષથી શાસન હોવા છતાં લોકોનો વિશ્વાસ અકબંધ રહ્યો છે. ગત વખતે ભાજપ પાસે 93 બેઠકો હતી, જે આ વખતે વધીને 115 થઈ છે. જ્યારે આમ આદમી પાર્ટીને માત્ર 4 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે. સોનાની થાળીમાં લોઢાનો મેખ હવે નીકળી ગયો છે. સુરતના મતદારોએ 'આપ' ના મોટા દાવાઓને ફગાવીને તેમને તેમની સાચી જગ્યા બતાવી દીધી છે.

વિકાસ અને નેતૃત્વમાં જનતાનો અતૂટ વિશ્વાસ

પાટીલે આ વિજયનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વને આપતા જણાવ્યું કે, ગુજરાતનો મતદાર ખૂબ જ સમજદાર છે અને તે પોતાના ભવિષ્ય તેમજ દેશની પ્રગતિને ધ્યાનમાં રાખીને મતદાન કરે છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સહિતના તમામ આગેવાનોને પણ આ જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ભેદભાવ વગર કામ કરવાની ખાતરી

જે વિસ્તારોમાં ભાજપની પેનલ હારી છે, ત્યાંના મતદારોને આશ્વાસન આપતા પાટીલે જણાવ્યું કે, તમે ભલે અમને મત નથી આપ્યા, પરંતુ અમે તમારા વિસ્તારના વિકાસ કામોમાં કોઈ ભેદભાવ નહીં રાખીએ. તમારી માંગણી મુજબ બધા જ કામો સાથે રહીને કરીશું.

નકારાત્મક પ્રચાર કરનારા 'ઘરભેગા' થયા

સોશિયલ મીડિયામાં ભાજપ વિરુદ્ધ ચાલતા નકારાત્મક પ્રચાર પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે, જનતાએ આવા પ્રચારને નકારી દીધો છે. મીડિયાની ભૂમિકાની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, પત્રકારોએ વાસ્તવિકતા લોકો સુધી પહોંચાડી છે, જેનાથી પરિણામમાં મોટો તફાવત આવ્યો છે.