સુરત મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ: 30 વોર્ડની મતગણતરી માટે તંત્ર સજ્જ, 2000 કર્મચારીઓ ખડેપગે

સુરત મહાનગરપાલિકા માટે મતગણતરી મજૂરાગેટ ખાતે હાથ ધરવામાં આવશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 27 Apr 2026 04:29 PM (IST)Updated: Mon, 27 Apr 2026 04:30 PM (IST)
surat-municipal-election-2026-results-counting-gandhi-engineering-college
HIGHLIGHTS
  • સુરત મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ
  • 30 વોર્ડની મતગણતરી માટે તંત્ર સજ્જ

Surat Election Results 2026: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત સુરત મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટેનું મતદાન ગત 26 એપ્રિલે અત્યંત શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. હવે આવતીકાલ 28 એપ્રિલ, મંગળવારે સુરત મહાનગરપાલિકાના તમામ 30 વોર્ડની મતગણતરી સવારે 9:00 વાગ્યાના ટકોરે શરૂ કરવામાં આવશે.

ગાંધી એન્જીનીયરીંગ કોલેજ ખાતે કાઉન્ટીંગ સેન્ટર

સુરત શહેરની ડૉ. એસ. એન્ડ એસ.એસ. ગાંધી એન્જીનીયરીંગ કોલેજ, મજૂરાગેટ ખાતે સુરત મહાનગરપાલિકાની મતગણતરી હાથ ધરવામાં આવશે. આ કાઉન્ટીંગ સેન્ટરની વ્યવસ્થાની સમીક્ષા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડૉ. સૌરભ પારધીએ રૂબરૂ મુલાકાત લઈને તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમની સાથે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, નિવાસી અધિક કલેકટર વી.એન. રબારી સહિતના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.

naidunia_image

મતગણતરીમાં 2000 થી વધુ કર્મચારીઓ જોડાશે

જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. સૌરભ પારધીએ માહિતી આપતા જણાવ્યું કે, આ સમગ્ર મતગણતરી પ્રક્રિયા પારદર્શક અને ઝડપી બનાવવા માટે 10 ચૂંટણી અધિકારીઓ સહિત 2000 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવશે. મતગણતરી માટે તમામ કર્મચારીઓને ખાસ તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, મીડિયાની સુવિધા, ચૂંટણી એજન્ટોની બેઠક વ્યવસ્થા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

naidunia_image

જિલ્લાની 4 નગરપાલિકા માટે મતગણતરી કેન્દ્રો

ચાર ચૂંટણી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લાની ચાર નગરપાલિકાની મતગણતરી પણ આવતીકાલે જ યોજાશે:

  • બારડોલી નગરપાલિકા: બી.એ.બી.એસ. હાઈસ્કૂલ
  • કડોદરા નગરપાલિકા: પલસાણાની શ્રી સ્વામિનારાયણ વિશ્વવિદ્યાપીઠ સંકુલ
  • માંડવી નગરપાલિકા: માંડવી હાઇસ્કુલ હીરાચંદ ભવન
  • તરસાડી નગરપાલિકા: વી.એસ. પટેલ હાઇસ્કુલ (ગર્લ્સ વિભાગ)

જિલ્લા-તાલુકા પંચાયત માટે ફાળવેલા કેન્દ્રો

જિલ્લા અને તાલુકા પંચાયતની મતગણતરી માટે પણ વિવિધ શાળાઓ અને કોલેજોની પસંદગી કરવામાં આવી છે. જે મુજબ ચોર્યાસી તાલુકાની ગણતરી ભરથાણા વેસુની નવનિર્માણ વિદ્યાલય ખાતે, ઓલપાડની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઓલપાડ ખાતે, અને કામરેજની રામ કબીર શૈક્ષણિક સંકુલ ખાતે હાથ ધરાશે.

તેવી જ રીતે પલસાણાની ડી.બી. હાઈસ્કૂલ, બારડોલીની અસ્તાન કન્યા વિદ્યાલય, મહુવા અને અંબિકા તાલુકાની સરકારી વિનયન કોલેજ (કાછલ), માંડવી અને અરેઠની બી.બી. અવિચળ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, માંગરોળની એસ.પી.એમ મદ્રેસા અને ઉમરપાડાની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતગણતરી પ્રક્રિયા સંપન્ન થશે.