Gujarat Election 2026 Voting: સુરતમાં ચાલી રહેલા લોકશાહીના મહાપર્વમાં એક જાગૃત નાગરિકે બીમારીની ગંભીર હાલતમાં પણ મતદાન કરીને સમાજ સામે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરતના 46 વર્ષીય ઉમેશભાઈ મિશ્રાએ હોસ્પિટલમાં દાખલ હોવા છતાં પોતાની નૈતિક ફરજ અદા કરી હતી.
એમ્બ્યુલન્સમાં પહોંચ્યા મતદાન મથક
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના હીરાબાગ વિસ્તારમાં રહેતા 46 વર્ષીય ઉમેશભાઈ સરસ્વતીભાઈ મિશ્રા છેલ્લા 5 દિવસથી કિડનીની ગંભીર બીમારીના કારણે વરાછા રોડ પર આવેલી પી.પી. સવાણી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમની તબિયત નાજુક હોવા છતાં, તેમણે મતદાન કરવાની પ્રબળ ઈચ્છા વ્યક્ત કરી હતી.
વ્હીલચેર પર બેસીને આપ્યો કિંમતી મત
દર્દીની આ ઈચ્છાને માન આપીને હોસ્પિટલના મેનેજમેન્ટ અને ડોક્ટરોની ટીમે ખાસ મંજૂરી આપી હતી. જે બાદ તબીબી દેખરેખ હેઠળ ઉમેશભાઈને એમ્બ્યુલન્સમાં મતદાન સુધી લઈ જવાની વ્યવસ્થા કરી આપી હતી.
ઉમેશભાઈને તબીબી ટીમની મદદથી વોર્ડ નંબર-4 માં આવેલી આનંદ નગરની વાડી ખાતેના મતદાન મથક પર લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમણે વ્હીલચેરની મદદથી મતદાન મથકની અંદર જઈને પોતાનો કિંમતી મત આપ્યો હતો.
દરેક વોટ મહત્વનો છે: હોસ્પિટલ સંચાલક
પી.પી. સવાણી હોસ્પિટલના સંચાલક વિપુલભાઈ તળાવીયાએ આ પ્રેરણાદાયક ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું કે, ઉમેશભાઈએ સવારે જ મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. લોકશાહીમાં મતદાન કરવાનો સૌને હક્ક હોવાથી, ડોકટરો સાથે ચર્ચા કરીને તેમની સંમતિ લેવામાં આવી હતી.
ડોકટરોની લીલી ઝંડી મળ્યા બાદ ઉમેશભાઈને એમ્બ્યુલન્સ મારફતે તેમના પરિવારજનો સાથે આનંદનગરની વાડી ખાતે મતદાન મથકે લાવવામાં આવ્યા હતા. સંચાલકે અંતમાં અપીલ કરતા સ્પષ્ટ કર્યું હતું કે, એક વોટ પણ ખૂબ જ મહત્વનો હોય છે, જેથી તમામ લોકોએ અચૂક મતદાન કરવું જોઈએ.
"મતદાન દેશ માટે જરૂરી": ઉમેશભાઈ
મતદાન કર્યા બાદ ઉમેશભાઈ મિશ્રાએ અન્ય મતદારોને પ્રેરણાદાયક સંદેશ આપતા જણાવ્યું હતું કે, મતદાન કરવો આપણો હક છે અને દરેક વ્યક્તિએ પોતાના હક માટે મતદાન કરવા અવશ્ય આવવું જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેઓ 5 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે, છતાં તેઓ માને છે કે મતદાન દેશ માટે ખૂબ જ જરૂરી છે.
