Vadodara: વડોદરા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે બેઠક પર આખા શહેરની નજર મંડાયેલી હતી, તે વોર્ડ નંબર 15 માં ભારે રસાકસી બાદ આખરે પરિણામ જાહેર થયું છે. ભાજપમાંથી છેડો ફાડીને કોંગ્રેસના પંજા પર સવાર થયેલા બાગી નેતા આશિષ જોષીએ ભાજપના ઉમેદવારોને પછાડીને શાનદાર જીત હાંસલ કરી છે. જો કે આ વિજય સાથે જ વોર્ડમાં 'કભી ખુશી કભી ગમ' જેવો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે વિજેતા ઉમેદવાર સામે ગંભીર કાયદાકીય તપાસ ચાલી રહી છે.
હાઈ-પ્રોફાઈલ જંગમાં ભાજપના સૂપડા સાફ
વોર્ડ નંબર 15ની ચૂંટણી આ વખતે વ્યક્તિગત પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ હતી. ભાજપે આશિષ જોષીને સસ્પેન્ડ કર્યા બાદ તેમણે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. મતગણતરીના અંતે આ વોર્ડમાં ભાજપની પેનલ તૂટી છે.
વોર્ડની ચાર બેઠકો પૈકી ત્રણ બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે, જ્યારે એક બેઠક પર આશિષ જોષીએ કોંગ્રેસ તરફથી વિજય મેળવીને ભાજપના વિજય રથને રોક્યો છે.
જીતની ઘડીએ જ પોલીસનો પહેરો
મતગણતરી કેન્દ્ર પર આજે સવારથી જ ઉત્તેજનાભર્યો માહોલ હતો. એકતરફ મતોની ગણતરી ચાલતી હતી, તો બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગણતરી કેન્દ્ર પર તૈનાત જોવા મળી હતી.
આશિષ જોષી વિરુદ્ધ મતગણતરીના આગલા દિવસે જ છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો. છોટાઉદેપુરમાં વિદેશી દારૂ ભરેલી ગાડી સાથે ઝડપાયેલા શખ્સે કબૂલાત કરી હતી કે આ જથ્થો આશિષ જોષીએ મંગાવ્યો હતો. આ નિવેદનના આધારે પોલીસે તેમની સામે ગુનો નોંધી તપાસ તેજ કરી છે.
સમર્થકોમાં મિશ્ર પ્રતિસાદ
પરિણામ જાહેર થતા જ આશિષ જોષીના સમર્થકોએ ફટાકડા ફોડી અને અબીલ-ગુલાલ ઉડાડી વિજયને વધાવ્યો હતો. જો કે માથે લટકતી ધરપકડની તલવારને કારણે વિજયી સરઘસમાં ક્યાંક ચિંતા પણ જોવા મળી હતી. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે, આશિષ જોષીએ પોતાની પર્સનલ વોટબેંકના જોરે પક્ષ પલટા પછી પણ જીત મેળવી બતાવી છે, જે ભાજપ માટે ચિંતાનો વિષય છે.
હવે જોવાનું એ રહેશે કે, ચૂંટણી જીત્યા બાદ દારૂના કેસમાં ઘેરાયેલા આશિષ જોષીની ધરપકડ થાય છે કે કેમ અને વડોદરાના રાજકારણમાં આગામી દિવસોમાં કેવા વળાંકો આવે છે.
