VMC Election Results: સ્કૂલ વાન ચલાવતા ભાજપ ઉમેદવારની વોર્ડ નં.17માં ભવ્ય જીત, કહ્યું- 'નગરસેવક બન્યા બાદ પણ સ્ટીયરિંગ નહીં છોડું'

રાજેશ માછીની જીતથી વડોદરા સ્કૂલ વાન અને રિક્ષા ચાલકોમાં ભારે ઉત્સાહ ફટાકડા ફોડી અને એકબીજાના મોંઢા મીઠા કરાવીને વિજયને વધાવ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 28 Apr 2026 07:03 PM (IST)Updated: Tue, 28 Apr 2026 07:03 PM (IST)
vadodara-vmc-election-school-van-driver-rajesh-machhi-wins-historic-victory-in-ward-17
HIGHLIGHTS
  • રાજેશ માછી 15 વર્ષથી ભાજપના પાયાના કાર્યકર

VMC Election Results: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની (VMC) ચૂંટણીના પરિણામોમાં વોર્ડ નંબર 17ના ભાજપના ઉમેદવાર રાજેશ માછીએ ઐતિહાસિક જીત મેળવી છે.

એક સામાન્ય સ્કૂલ વાન ચાલક જ્યારે શહેરના શાસનમાં ભાગીદાર બને છે, ત્યારે તે લોકશાહીની સાચી સુંદરતા સાબિત થાય છે. રાજેશ માછીની આ જીત માત્ર તેમની વ્યક્તિગત જીત નથી, પરંતુ વડોદરાના હજારો શ્રમિકો અને મધ્યમવર્ગીય લોકોની જીત માનવામાં આવી રહી છે.

સાદગી અને સંઘર્ષની જીત

રાજેશ માછી છેલ્લા 15 વર્ષથી ભાજપમાં એક પાયાના કાર્યકર તરીકે કાર્યરત છે. દિવસ દરમિયાન બાળકોને સ્કૂલ વાનમાં લઈ જવા અને બાકીના સમયમાં પક્ષનું કામ કરવું એ તેમની દિનચર્યા રહી છે.

ભાજપે જ્યારે એક સામાન્ય ડ્રાઈવરને ટિકિટ આપી, ત્યારે જ તેઓ ચર્ચામાં આવ્યા હતા. આજે પરિણામો જાહેર થયા બાદ જ્યારે તેઓ વિજેતા બન્યા, ત્યારે ફરી એકવાર તેમની સાદગીએ સૌના દિલ જીતી લીધા છે.

ચૂંટણીના પરિણામો વચ્ચે પણ નિભાવી ફરજ

રાજેશ માછીની ખાસિયત એ રહી કે, ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસ સુધી અને મતદાનના દિવસે પણ તેઓ પોતાની 'સ્કૂલ વેન' ચલાવી રહ્યા હતા. તેમની આ નિષ્ઠા જોઈને મતદારોએ તેમને ખોબલે ને ખોબલે મત આપીને વિજયી બનાવ્યા છે.

સાથી વાહન ચાલકોમાં દિવાળી જેવો માહોલ

રાજેશભાઈની જીતથી વડોદરાના સ્કૂલ વેન અને રિક્ષા ચાલકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથી ચાલકોએ ફટાકડા ફોડી અને એકબીજાના મોં મીઠા કરાવીને આ વિજયને વધાવ્યો હતો. વેન ચાલકોનું માનવું છે કે, હવે અમારો માણસ કોર્પોરેશનમાં બેસશે, જે અમારી તકલીફો અને રસ્તાના પ્રશ્નોને જીવંત રીતે સમજે છે.

'કાઉન્સિલર બન્યા પછી પણ ડ્રાઈવર જ રહીશ'

જીત બાદ મીડિયા સાથે વાત કરતા રાજેશ માછીએ ભાવુક થઈને જણાવ્યું હતું કે, "હું ૧૯૯૫ થી ભાજપ સાથે જોડાયેલો છું. પક્ષે મારા જેવા સામાન્ય માણસ પર વિશ્વાસ મૂક્યો તે બદલ હું આભારી છું. કોર્પોરેટર બન્યા પછી પણ હું મારી સ્કૂલ વેન ચલાવવાનું ચાલુ જ રાખીશ. સ્ટીયરિંગ એ મારી ઓળખ છે અને જનસેવા એ મારો લક્ષ્ય છે."

રાજેશ માછીની આ જીત એ વાતનું પ્રમાણ છે કે જો કાર્યકર પાયાથી જોડાયેલો હોય, તો જનતા તેને ચોક્કસપણે સ્વીકારે છે. વડોદરાના રાજકારણમાં આ એક પ્રેરણાદાયી કિસ્સો બની રહેશે.