Vadodara: ચૂંટણી ટાણે 'ગટર અને પાણી' મુદ્દે જનતાનો મિજાજ ગરમ, ઠેર-ઠેર ભાજપના ઉમેદવારો સામે વિરોધ

ભાજપના ઉમેદવારો મત માંગવા નીકળ્યા, ત્યારે જનતાના રોષનો સામનો કરવો પડ્યો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 14 Apr 2026 05:08 PM (IST)Updated: Tue, 14 Apr 2026 05:08 PM (IST)
vadodara-elections-bjp-candidates-face-protest-over-water-drainage-issues
HIGHLIGHTS
  • વડોદરામાં ચૂંટણી ટાણે જનતાનો વિરોધ
  • ગટર-પાણી મુદ્દે લોકોએ વિરોધ નોંધાવ્યો
  • ભાજપના ઉમેદવારોનો સામે પ્રશ્નો કર્યા

Vadodara Election 2026: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં લાંબા સમયથી વણઉકેલાયેલી ગટર અને પાણીની સમસ્યા મુદ્દે હવે જનતાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવારો જ્યારે મત માંગવા નીકળ્યા, ત્યારે તેમને જનતાના ભારે રોષનો સામનો કરવો પડી રહ્યો છે.

વોર્ડ નંબર 7: રાવપુરામાં 'સ્વચ્છ ભારત' ના દાવા સામે પ્રશ્ન

વોર્ડ નંબર 7 માં આવતા રાવપુરા વિસ્તારની કાપડિયા પોળમાં ગટર ઉભરાવાની સમસ્યા અત્યંત ગંભીર બની ગઈ છે. જ્યારે ભાજપના ઉમેદવારો અહીં પ્રચાર માટે પહોંચ્યા, ત્યારે સ્થાનિકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો, અને તેમણે સીધો જ પ્રશ્ન કર્યો હતો કે, “આ ગટરો કેટલી ઉભરાય છે એ તમે જોયું છે?”

વારંવાર ગટર ઓવરફ્લો થવાથી રસ્તા પર ગંદા પાણી વહે છે, જેના કારણે ‘સ્વચ્છ ભારત’ના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. દુર્ગંધ અને ગંદકીથી ત્રસ્ત રહીશોએ આક્ષેપ કર્યો છે કે નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ મોઢું બતાવવા આવે છે અને પછી પાંચ વર્ષ સુધી ગાયબ થઈ જાય છે. ગંદા પાણીના ભરાવાને કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવાનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે.

naidunia_image

વોર્ડ નંબર 8: ગોરવામાં ઉમેદવારોને ચાલતી પકડવી પડી

બીજી તરફ, વોર્ડ નંબર 8 ના ગોરવા ગામમાં પણ સ્થિતિ વણસેલી જોવા મળી હતી. અહીંના રહીશો પીવાના શુદ્ધ પાણી અને વરસાદી પાણીના નિકાલની સમસ્યાથી કંટાળી ગયા છે. જ્યારે સ્થાનિક ધારાસભ્ય અને વોર્ડના ઉમેદવારો મત માટે અપીલ કરવા પહોંચ્યા, ત્યારે રોષે ભરાયેલા લોકોએ તેમને ઘેરી લીધા હતા. મતદારોનો આક્રોશ એટલો બધો પ્રબળ હતો કે સ્થિતિની ગંભીરતા પારખીને ધારાસભ્ય અને ઉમેદવારોએ ત્યાંથી ચાલતી પકડવામાં જ પોતાની ભલાઈ સમજી હતી.

સ્થાનિકોની મુખ્ય માંગણી શું છે?

મૂળભૂત સુવિધાઓના અભાવે વડોદરાના નાગરિકોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. ખાસ કરીને રાવપુરા અને ગોરવા જેવા વિસ્તારોમાં લોકોએ ઉમેદવારોને ઉઘાડેછોગ સવાલ પૂછીને પરસેવો લાવી દીધો હતો. તેમણે નીચે મુજબની મુખ્ય માંગણી મૂકી છે:

  • ગટર સમસ્યાનો કાયમી અને ટેકનિકલ રીતે સચોટ ઉકેલ લાવવામાં આવે.
  • પીવાના પાણીની લાઈનોમાં ગટરનું ગંદુ પાણી ભળતું તાત્કાલિક અટકાવવું.
  • ચૂંટણી લક્ષી માત્ર વાયદાઓ કરવાના બદલે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવે.

નાગરિક સુવિધાઓના આ સળગતા મુદ્દાઓ પર વડોદરામાં રાજકારણ ગરમાયું છે. હવે જોવાનું એ રહે છે કે સ્થાનિક તંત્ર સક્રિય થઈને પ્રજાને આ હાલાકીમાંથી મુક્તિ અપાવે છે, કે પછી જનતાનો આ આક્રોશ મતદાનના દિવસે ચૂંટણી પરિણામો પર કોઈ મોટી અસર ઊભી કરે છે.