Manjalpur By-Election Result: સતીષ પટેલનો 30,499 મતોની લીડથી ભવ્ય વિજય, ભાજપે બેઠક અકબંધ રાખી

ભાજપ ઉમેદવાર સતિષ પટેલે 30,499 મતોની લીડથી શાનદાર વિજય હાંસલ કર્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 03 Aug 2026 03:10 PM (IST)Updated: Mon, 03 Aug 2026 03:21 PM (IST)
bjp-satish-patel-wins-with-55084-votes-in-manjalpur-assembly-by-election-2026-result
BJP Satish Patel wins Manjalpur Assembly By election 2026

Manjalpur Assembly By-election Result 2026: વડોદરાની મહત્વપૂર્ણ ગણાતી માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આજે 3 ઓગસ્ટે આવેલા પરિણામોએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. માત્ર 37.05 ટકા જેટલું મતદાન નોંધાયું હોવા છતાં, ભારતીય જનતા પાર્ટીને પોતાની બેઠક જાળવી રાખવામાં સફળતા મેળવી છે. કુલ 19 રાઉન્ડની મતગણતરીના અંતે ભાજપ ઉમેદવાર સતિષ પટેલે 30,499 મતોની લીડથી શાનદાર વિજય હાંસલ કર્યો છે.

ભાજપ ઉમેદવાર સતીષ પટેલનો ભવ્ય વિજય

માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પરિણામો અનુસાર, ભાજપના ઉમેદવાર સતીષ પટેલે વિપક્ષી ઉમેદવાર સામે જંગી સરસાઈ મેળવતા 30,499 મતોની મજબૂત લીડથી વિજય મેળવ્યો છે. ભાજપના ઉમેદવાર સતિષ પટેલને કુલ 55,084 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીને 24,585 મત પ્રાપ્ત થયા હતા. પ્રથમ રાઉન્ડથી જ ભાજપે લીડ જાળવી રાખી અને અંત સુધી આ પકડ મજબૂત રહી હતી.

વિજેતા ભાજપ ઉમેદવાર સતિષ પટેલે શું કહ્યું?

વિજય મેળવ્યા બાદ ભાજપના વિજેતા ઉમેદવાર સતિષ પટેલે મતદારોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "માંજલપુર વિધાનસભાના મતદારોએ અગાઉ જે રીતે સ્વ. યોગેશ કાકાને ભરપૂર સહકાર આપ્યો હતો, તે જ અપાર સ્નેહ અને સહકાર મને પણ આપ્યો. હું જનતાના વિશ્વાસને એળે જવા નહીં દઉં અને જવાબદારીઓ પૂરી નિષ્ઠાથી નિભાવીશ."

ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ ઉમેદવારે કહ્યું...

બીજી બાજુ, હારનો સામનો કરનાર કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીએ પ્રતિક્રિયા આપતા આક્ષેપ કર્યો હતો કે, "ભાજપે ચૂંટણીના અંતિમ સમયે ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું, જેના કારણે અમારા મતદારો ઘર બહાર નીકળી શક્યા નહોતા. આ ખુલ્લેઆમ આચારસંહિતાનો ભંગ છે અને નિષ્પક્ષ ચૂંટણી થઈ નથી. જોકે, હાર છતાં હું સતત જન સેવા કરતો રહીશ."

રાજકીય વિશ્લેષકોના મતે પરિણામ શું કહે છે?

રાજકીય વિશ્લેષકોના મતે, માંજલપુર વિધાનસભા બેઠક પર ભાજપે પૂર્વ ધારાસભ્ય સ્વ. યોગેશ પટેલના નજીકના સહયોગી અને પાટીદાર સમાજના અગ્રણી એવા સતીષ ગોવિંદભાઈ પટેલ (સતેન્દ્ર પટેલ) પર દાવ ખેલી યોગ્ય નિર્ણય કર્યો હતો. VMC પૂર્વ કોર્પોરેટર રહી ચૂકેલા સતીષ પટેલનો સ્થાનિક સંગઠન સાથેનો નાતો અને ભાજપનું ઉત્તમ બૂથ મેનેજમેન્ટ આ મોટી જીત પાછળનું મુખ્ય કારણ બન્યું છે. 

ઓછું મતદાન હંમેશા સત્તાધારી પક્ષની વિરુદ્ધ જશે તેવા વિપક્ષી દાવાઓને ખોટા સાબિત કરીને ભાજપે પોતાના પરંપરાગત મતદારોને બુથ સુધી પહોંચાડવામાં સફળતા મેળવી છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે માંજલપુરમાં આજે પણ પક્ષનો આધાર ખૂબ જ મજબૂત છે.