સુરતમાં 'અન્નપૂર્ણા ખોડલધામ' મુદ્દે મુકેશ પટેલની સ્પષ્ટતા, કહ્યું- 'કાગવડ ખોડલધામ સાથે કોઈ સ્પર્ધા નહીં, અહીં નરેશ પટેલનું પણ સ્વાગત'

સુરતમાં ૧૫૦ વીઘા જમીન પર 'શ્રી અન્નપૂર્ણા ખોડલધામ' બનશે, જે લેઉવા પટેલ સમાજ માટે આસ્થા અને સામાજિક સેવાનું કેન્દ્ર બનશે. ઉદ્યોગપતિ મુકેશ પટેલે સ્પષ્ટતા કરી કે આ કાગવડ ખોડલધામ સાથે સ્પર્ધા નથી, પરંતુ મહિલા સશક્તિકરણ અને છેવાડાના માનવીની સેવા મુખ્ય ધ્યેય છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 16 Oct 2026 06:53 PM (IST)Updated: Fri, 16 Oct 2026 06:53 PM (IST)
surat-annapurna-khodaldham-controversy-mukesh-patel-clarify-no-competition-with-kagvad-welcome-naresh-patel

Surat Annapurna Khodaldham: સુરત શહેરમાં વસતા વિશાળ લેઉવા પટેલ સમાજ માટે આસ્થા અને સામાજિક સેવાનું એક નવું મંચ આકાર લેવા જઈ રહ્યું છે. જે અંતર્ગત લગભગ 150 વીઘા જમીન પર 'શ્રી અન્નપૂર્ણા ખોડલધામ' બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ સૌરાષ્ટ્રના કાગવડ ખોડલધામ બાદ સુરતમાં બીજું ખોડલધામ બનાવવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતુ. જો કે ઉદ્યોગપતિ મુકેશ પટેલે આ બાબતે સ્પષ્ટતા કરી છે કે, અમે બીજુ ખોડલધામ નહીં, પરંતુ અન્નપૂર્ણા ખોડલધામ બનાવીએ છીએ.

કાગવડ ખોડલધામ સાથે કોઈ સ્પર્ધા નહીં, સ્થાનિક આસ્થાનું કેન્દ્ર

આ નિર્માણ અંગે સ્પષ્ટતા કરતા આયોજકોએ જણાવ્યું હતું કે, કાગવડ સ્થિત ખોડલધામએ સમગ્ર લેવા પટેલ સમાજનું મુખ્ય આસ્થાનું પ્રતીક છે અને રહેશે. જ્યારે સુરતમાં બની રહેલું 'અન્નપૂર્ણા ખોડલધામ'એ કોઈની સ્પર્ધા કે વ્યક્તિગત વિશેષ માટે નથી બનાઈ રહ્યું.

હું કોઈની સાથે સરખામણી કરવા નથી માંગતો. આજે સુરતમાં ઉમિયાધામના 6 મંદિરો છે. જ્યારે સુરતમાં 25 લાખથી વધુ પાટીદારોની વસ્તી છે અને મોટા પ્રમાણમાં લેઉવા પટેલો વસે છે. જો કે સ્થાનિક સ્તરે એકત્રિત થઈને વિચાર-ગોષ્ઠી કરી શકાય તેવું આસ્થાનું મોટું કેન્દ્ર ન હોવાથી આ અન્નપૂર્ણા ધામ સ્થાપવાનો વિચાર આવ્યો છે. નરેશ પટેલ સહિત સમાજના તમામ અગ્રણીઓ સહિતના શ્રેષ્ઠીઓનું અન્નપૂર્ણા ખોડલધામમાં સ્વાગત છે.


મહિલા સશક્તિકરણ અને છેવાડાના માનવીની સેવા મુખ્ય ધ્યેય

આ મંદિરનો મુખ્ય હેતુ કેવળ ધાર્મિક આસ્થા પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમાજના છેવાડાના માનવી સુધી મદદ પહોંચાડવાનો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 10 થી 15 સ્થાનિક ઉદ્યોગપતિઓ એકઠા થઈને સમાજની મહિલાઓ માટે રોજગારલક્ષી બિઝનેસ મોડેલ ઊભું કરશે.

લિજ્જત પાપડની તર્જ પર મહિલાઓને ગૃહઉદ્યોગ દ્વારા આર્થિક રીતે પગભર કરી સીધું વળતર પહોંચાડવાનું આયોજન છે. ભૂતકાળમાં પણ પાટીદાર સમાજે સુરતમાં વાડીઓ, હોસ્પિટલો અને બ્લડ બેંક નિર્માણમાં મોટો ફાળો આપ્યો છે અને આ નવું ધામ આસ્થા સાથે સામાજિક કલ્યાણનું ધામ બનશે