રાજકોટ એઈમ્સના તબીબોની સિદ્ધિઃ જૂનાગઢની 12 વર્ષની બાળકીના પેટમાં ફસાયેલી સોય સર્જરી વિના બહાર કાઢી

રાજકોટ એઈમ્સના તબીબોએ 12 વર્ષની બાળકીના આંતરડામાં ફસાયેલી અણીદાર સોયને સર્જરી વિના એન્ડોસ્કોપીની મદદથી સફળતાપૂર્વક બહાર નીકાળી છે. જૂનાગઢની બાળકીને પેટમાં દુઃખાવો થતો હોવાથી સીટી સ્કેન કરાવતા આંતરડામાં પિન દેખાઈ હતી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 16 Oct 2026 06:13 PM (IST)Updated: Fri, 16 Oct 2026 06:13 PM (IST)
rajkot-news-aiims-doctors-sharp-pin-successfully-removed-from-childs-intestine-without-surgery

Rajkot News: એઈમ્સ રાજકોટના જનરલ સર્જરી વિભાગે 12 વર્ષીય બાળકીના ડ્યુઓડેનમમાં ફસાયેલી તીક્ષ્ણ ધાતુની સોયને મોટી સર્જરી વગર એન્ડોસ્કોપી દ્વારા સફળતાપૂર્વક બહાર કાઢી છે. સારવાર બાદ બીજા જ દિવસે બાળકીને સ્વસ્થ સ્થિતિમાં રજા આપવામાં આવી હતી.

મૂળ જૂનાગઢની રહેવાસી આ બાળકીએ થોડા દિવસ અગાઉ અકસ્માતે ધાતુની પિન ગળી લીધી હતી. પરિવારે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ કરાવી હતી. એક્સ-રે અને સીટી સ્કેનમાં પેટના ઉપરના ભાગમાં ધાતુની વસ્તુ જોવા મળી હતી. વધુ સારવાર માટે બાળકીને એઈમ્સ રાજકોટ લાવવામાં આવી.

OPDમાં તપાસ દરમિયાન જણાયું કે, સોય ડ્યુઓડેનમમાં (નાના આંતરડાના બીજા અને ત્રીજા ભાગના જોડાણના સ્થળે) ફસાયેલી હતી. બાળકીને સતત પેટમાં દુખાવો થતો હતો. પિન લાંબા સમય સુધી અંદર રહે તો ગંભીર ઈજા થઈ શકે તે માટે નિષ્ણાત તબીબોએ એન્ડોસ્કોપી દ્વારા તેને કાઢવાનો નિર્ણય લીધો.

સર્જરી વિભાગના વડા ડો. મિનેશ સિંઘલ અને ડો. પ્રિયંકા આનંદકા દ્વારા આ જટિલ પ્રક્રિયા સફળતાપૂર્વક કરવામાં આવી. એનેસ્થેસિયા વિભાગની ટીમનો પણ મહત્ત્વપૂર્ણ સહયોગ રહ્યો. એન્ડોસ્કોપી દરમિયાન પિનને જરૂરી સાવચેતી સાથે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી. પેટમાં ચીરો મૂકીને મોટું ઓપરેશન કરવાની જરૂર પડી નહોતી.

6 કલાક પછી પ્રવાહી આહાર શરૂ કરવામાં આવ્યો અને ધીમે ધીમે સામાન્ય આહાર આપવામાં આવ્યો. કોઈ જટિલતા જોવા મળી નહોતી. બીજા જ દિવસે બાળકીને સંપૂર્ણ સ્વસ્થ અને ખુશખુશાલ સ્થિતિમાં રજા આપવામાં આવી.