સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં એક યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. મોડી રાતે બનેલી આ ઘટનાને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ બનાવમાં પોલીસે હત્યા કરનાર ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરત શહેરમાં નાનપુરા વિસ્તારમાં બર્થ ડે પાર્ટીમાં ગયેલા યુવકની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. સુરતના ઉમરા વિસ્તારમાં રહેતો પાર્થ રમેશભાઈ આહીરકર ચીકનની લારી ચલાવવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રાત્રીના સમયે પાર્થ નાનપુરા પટેલ ચેમ્બર પાસે બર્થ ડે પાર્ટીમાં ગયો હતો. જ્યાં અમરોલી કોસાડ આવાસ પાસે રહેતા અઝરુદીન અહમેદ શેખ નામના ઇસમેં તેને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા.
લોહી લુહાણ હાલતમાં પાર્થને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર મળે તે પહેલા જ પાર્થનું મોત નીપજ્યું હતું. યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો તો બીજી તરફ રાત્રીના 1થી દોઢ વાગ્યાના અરસામાં બનેલા આ બનાવને લઈને ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ બનાવમાં હત્યા કરનાર ઇસમની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
DCP વિજય સિંહ ગુર્જર જણાવ્યું હતું કે, નાનપુરા વિસ્તારમાં જે છોકરાની બર્થ ડે હતી તેની બહેનના પૂર્વ પ્રેમી અઝરુદીન અહમેદ શેખ જે અમરોલી કોસાડ આવાસમાં રહે છે. આ બર્થ ડે પાર્ટીમાં યુવતી સાથે મિત્રતાને લઈને આરોપી અઝરુદીન અહમેદ શેખનો પાર્થ સાથે ઝઘડો થયો હતો જેમાં પાર્થને ચપ્પુના ઘા મારતા પાર્થનું મોત થયું છે. તેના શરીર પર 15થી વધુ ઈજાના નિશાન છે. આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મૃતક યુવકના પિતા રમેશભાઈએ જણાવ્યું હતું કે મારો દીકરો રાત્રીના સમયે મિત્ર જોડે જમવા માટે નીકળ્યો હતો અને બાદમાં રાત્રીના 1 વાગ્યે ફોન આવ્યો હતો કે દીકરાને ચપ્પુ મારવામાં આવ્યું છે અને તે હોસ્પિટલમાં છે જેથી અમે હોસ્પિટલ પહોચ્યા હતા જ્યાં દીકરો લોહીમાં લથપથ હાલતમાં પડ્યો હતો. ડોકટરે અમને દીકરો મૃત હોવાનું જણાવી દીધું હતું. મારા દીકરો તો હવે જતો રહયો છે, મારી માંગ છે કે આરોપીને કડકમાં કડક સજા મળે.
