Surat Murder Case: સુરતમાં દિયર-ભાભીના આડા સંબંધમાં પતિની હત્યા, લસકાણા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

Lasakana Murder Case: સુરતના લસકાણામાં દિયર-ભાભીના આડા સંબંધની જાણ થતાં પતિની હત્યા કરવામાં આવી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. પત્ની અને મૃતકના નાના ભાઈની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 12 Nov 2026 11:24 AM (IST)Updated: Thu, 12 Nov 2026 11:24 AM (IST)
surat-murder-case-younger-brother-and-wife-allegedly-kill-husband

Surat News: સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી હત્યાની ચકચારી ઘટનાનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી મૃતકની પત્ની અને તેના સગા ભાઈને ઝડપી પાડ્યા છે. દિયર અને ભાભી વચ્ચે આડા સબંધની જાણ થઇ જતા પત્ની અને નાના ભાઈએ જ યુવકની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તા. 10 નવેમ્બર, 2026ના રોજ લસકાણા વિસ્તારમાં ડી.જી.વી.સી.એલ. BRTS બસ સ્ટેન્ડની સામે સર્વિસ રોડ પરથી એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતા લસકાણા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોચી હતી. પોલીસ તપાસમાં મૃતક યુવકની ઓળખ મૂળ ઉતરપ્રદેશના વતની અમરબાબુ મુલચંદ નિષાદ તરીકે થઇ હતી. મૃતકનું દોરી કે વાયર જેવી વસ્તુથી ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.

આ બનાવ અંગે લસકાણા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘટનાસ્થળની આસપાસના CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા તેમજ મૃતકના પરિવારજનોની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક અમરબાબુ મુલચંદ નિષાદની પત્ની રીનાદેવી અને તેનો સગો ભાઈ શિવા ઉર્ફે શિવબાબુ મુલચન્દ્ર નિષાદ વચ્ચે આડા સંબંધો હતા. બીજી તરફ, મૃતક પોતાની પત્ની અને પરિવારજનોને માનસિક ત્રાસ આપતો હતો તેમજ મારઝૂડ પણ કરતો હતો. મૃતકના આ વર્તનથી કંટાળીને પત્ની અને દિયરએ તેને પોતાની વચ્ચેથી હટાવી દેવાનું કાવતરું ઘડ્યું હતું.

આ કાવતરાના ભાગરૂપે દોરી વડે ગળું દબાવી અમરબાબુની હત્યા કરવામાં આવી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થવા પામ્યો છે. હાલ લસકાણા પોલીસે પત્ની અને દિયરની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.