લ્યો બોલો! તસ્કરોએ એમ્બ્યુલન્સ પણ ના છોડી, બેટરી અને ઈન્વર્ટર ચોર્યા: સુરતના પાંડેસરા વિસ્તારનો બનાવ

આ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 26 Nov 2026 04:00 PM (IST)Updated: Thu, 26 Nov 2026 04:00 PM (IST)
surat-108-ambulance-inverter-battery-theft-pandesara-police-investigation

Surat News: સુરતના પાંડેસરા વિસ્તારમાં તસ્કરોએ હવે ઈમરજન્સી સેવા આપતી 108 એમ્બ્યુલન્સને નિશાન બનાવી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ કોમ્યુનિટી હોલ પાસે પાર્ક કરવામાં આવેલી એમ્બ્યુલન્સમાંથી અજાણ્યા તસ્કરો ઈન્વર્ટર અને બેટરીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે ફરજ પર આવેલા પાયલોટને ચોરીની જાણ થતાં મામલો સામે આવ્યો હતો. આ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી એમ્બ્યુલન્સ

મળતી માહિતી મુજબ, ઉધના વિસ્તારમાં રહેતા 32 વર્ષીય પ્રવિણભાઈ ભુરીયા પાંડેસરા ડિવિઝનમાં 108 એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર (પાયલોટ) તરીકે ફરજ બજાવે છે. તેમની શિફ્ટ પૂર્ણ થતાં તેમણે એમ્બ્યુલન્સને તેના નિયત રેસ્ટ પોઈન્ટ પર પાર્ક કરી હતી. એમ્બ્યુલન્સને પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ કોમ્યુનિટી હોલની સામે ખુલ્લી જગ્યામાં પાર્ક કર્યા બાદ પોતાના ઘરે ગયા હતા.

એમ્બ્યુલન્સમાંથી બેટરી અને ઈન્વર્ટરની ચોરી

બીજા દિવસે સવારે તેઓ રાબેતા મુજબ ફરજ પર પહોંચ્યા હતા. એમ્બ્યુલન્સ ચાલુ કરવા માટે તેમણે દરવાજો ખોલ્યો ત્યારે ડ્રાઈવર સાઈડનો આગળનો લોક ખુલ્લો જોવા મળ્યો હતો. આ જોઈને તેમને શંકા ગઈ હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સની અંદર તપાસ કરતા મહત્વપૂર્ણ સાધનો પૈકીના ઈન્વર્ટર અને બેટરી ગાયબ હોવાનું સામે આવ્યું હતું.

અજાણ્યા તસ્કરો રાત્રિના સમયે એમ્બ્યુલન્સમાંથી ₹5 હજારની કિંમતનું ઈન્વર્ટર અને ₹4 હજારની કિંમતની બેટરી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઈમરજન્સી સેવા પૂરી પાડતા વાહનમાં જ ચોરીની ઘટના બનતાં આ સમગ્ર મામલો પાંડેસરા પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.