Rajkot: ભાયાવદરમાં કળયુગી પુત્રનું કારસ્તાન, વીમો પકાવવા પિતાની ઘાતકી હત્યા કરી બનાવને અકસ્માતમાં ખપાવ્યો

સગા દીકરાને ઈઝરાયલ જવું હોવાથી પિતરાઈ સાથે મળી કૂહાડીના ઘા ઝીંકી પિતાનું ખૂન કર્યાં બાદ બાઈક સ્લિપ થઈ જવાથી મોત નીપજ્યું હોવાનું ત્રાગુ રચ્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 11 Dec 2025 05:22 PM (IST)Updated: Thu, 11 Dec 2025 05:22 PM (IST)
rajkot-news-son-killed-father-for-hdfc-insurance-at-bhayavadar
HIGHLIGHTS
  • શંકાસ્પદ બનાવના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો

Rajkot: ભાયાવદરનાં રાજપરા ગામે રહેતા કાનાભાઇ મેરુભાઇ જોગની તેનાજ ભત્રીજા વિરમ ભૂપત જોગએ બોથડ પદાર્થનાં ઘા ઝીંકી હત્યા કર્યા બાદ હત્યાનાં બનાવને અકસ્માતમા ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસને બનાવ શંકાસ્પદ લાગતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં હત્યા થયાનું ખુલ્યુ હતુ.

પોલીસે વિરમને શકંજામાં લઇ પૂછપરછ કરતા તેણે કબૂલાત આપી હતી કે, મૃતક કાનાભાઇનો દીકરો રામદેને ઇઝરાયલ જવુ હોય વીમો પકવવા માટે પિતાની હત્યાનું કાવતરું ઘડ્યુ હોવાનું બહાર આવતા બન્નેની ધરપકડ કરી હતી.

આ અંગે ભાયાવદરના રાજપરા ગામે રામ મંદિર પાસે રહેતા દેવીબેન કાનાભાઈ જોગ(મેર)(22)એ પોતાની ફરિયાદમાં તેમના પિતરાઈ ભાઈ વિરમ ભૂપતભાઈ જોગ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના પિતા કાનાભાઈ અને માતા રુપીબેન ચારોલીયા ગામે આવેલી આઠ વીઘા જમીનમાં ખેતી કામ કરી પરિવારને ચલાવે છે. જ્યારે કાકા ભૂપતભાઈનો દીકરો વિરમ જેના પાંચેક વર્ષ પહેલા તેમની પત્ની વનિતા સાથે છૂટાછેડા થઈ ગયા હોય જેથી વિરમભાઈ પહેલા કેશુભાઈના ઘરે જમતા હતા અને છેલ્લા ત્રણ ચાર અઠવાડિયાથી દેવીબેનના ઘરે જમે છે.

ગત 9 ડિસેમ્બરના રોજ દેવીબેન અને તેમના પરિવારજનો ઘરે હતા, ત્યારે તેમને વિરમે ફોન કરી જણાવ્યું કે, કાકા કાનાભાઈ સ્કૂટર ઉપરથી પડી ગયા છે અને તેમને ઇજા થઈ છે. આથી તમામ પરિવારજનો વાડીએ પહોંચ્યા હતા, ત્યારે ત્યાં જઈને જોયું તો કાનાભાઈ મેરૂભાઈ જોગ મૃત હાલતમાં પડ્યા હતા. તેમને કપાળ અને નેણ તેમજ મોઢે ઇજા થઈ હતી અને તેમને લોહી નીકળતું હતું

આ સમયે જણાવ્યું કે,કાકા બાઈક લઈને ઢાક તરફ જતા હતા ત્યારે તેમનું બાઈક સ્લીપ થયું હતું અને હું તેમને અહીં લાવ્યો છું. આ ઘટના બાદ ભાયાવદર પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને તેમને બનાવ શંકાસ્પદ લાગતા મૃતદેહનું ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

જે બાદ પોલીસની ટીમે વિરમને ઉઠાવી લઇ તેની આગવી ઢબે પૂછપરછ કરતા તે ભાંગી પડયો હતો અને તેમણે કબુલાત આપી હતી કે, કાકા કાનાભાઇની હત્યા પાછળ તેમનો પુત્ર રામદે પણ સામેલ છે અને રામદેને ઇઝરાયલ દેશમાં નોકરી કરવા માટે જવુ હોય જેનાં માટે અંદાજે 16 લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હતો.

એકાદ વર્ષ પહેલા તેમણે પિતાનાં નામનો HDFCમાં વીમો ઉતરાવ્યો હતો અને તેનાં પિતાનુ મૃત્યુ થાય તો તેને 60 થી 70 લાખ મળે તેમ હતા . વીમાનું બીજુ પ્રીમયમ ભરવાનો સમય પણ થઇ ગયો હતો. આથી રામદેએ તેનાં મોટાબાપુના દીકરા વીરમને હત્યા કર્યા બાદ એક લાખ રૂપિયા આપવાનુ વચન આપ્યુ હતુ અને જીવે ત્યા સુધી ભોજન આપવાનુ જણાવ્યુ હતુ. હાલ પોલીસે મૃતકનાં પુત્ર રામદે કાના જોગ અને ભત્રીજા વીરમ ભુપત જોગની ધરપકડ કરી છે.