Surat: સુરતમાં પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષા અને જનજાગૃતિ માટે ખાસ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જેમાં મોલ કે દુકાનો, જ્યાં મહિલાઓ માટે ચેન્જીંગ રૂમ હોય ત્યાં ટુ વે મિરર લાગ્યો હોય તો તેની ઓળખ કઈ રીતે કરવી તેની સમજ આપવામાં આવી હતી.
ઘણી વખત મહિલાઓ મોલ કે દુકાનોમાં જતી હોય છે અને જ્યાં ચેન્જીંગ રૂમ પણ હોય છે. આ ચેન્જીંગ રૂમમાં મહિલાઓની પ્રાઈવસીને લઈ સવાલ ઉભા થતા હોય છે, ચેન્જીંગ રૂમમાં જે મિરર લાગેલા હોય છે તે સિંગલ વે કે ટુ વે મિરર છે તેની માહિતી અપાઈ રહી છે. ચેન્જિંગ રૂમમાં ટુ વે મિરરના ઉપયોગથી પણ કોઈ અજાણી વ્યકિત સ્પાય વીડિયો બનાવી શકે છે.
ચેન્જિંગ રૂમમાં જો ટુ વે મિરર લગાવવામાં આવ્યો હોય તો મિરર સામે ઉભી રહેલી વ્યકિત પોતાને તો મિરરમાં જોઈ શકે છે. આ સાથે જ મિરર પાછળ કોઈ હોય તો તે પણ સામેની વ્યકિતને નિહાળી શકે છે. આ કઈ રીતે થાય છે અને તેનાથી કઈ રીતે બચવું? તેની સમજ આપવા માટે સુરત પોલીસની 'SHE' ટીમ એક અભિયાન ઉપાડ્યું છે.
આ અંગે વિગતો આપતા PI શીતલ શાહે જણાવ્યું કે, સુરતના અલગ અલગ જગ્યાએ આવેલા મોલ અને દુકાનો કે જ્યાં ચેન્જીંગ રૂમમાં મિરર લાગેલા હોય છે, બહેન દીકરીઓ ચેન્જીગ રૂમમાં જતી હોય છે અને ત્યાં લાગેલા મીરરને કઈ રીતે ચેક કરી શકાય તે માટે મહિલાઓમાં જાગૃતિ માટે SHE ટીમ પ્રયાસ કરી રહી છે, મોલમાં જઈને મહિલાઓ કઈ રીતે જાતે ચેક કરી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
વધુમાં જણાવ્યું કે, ધારો કે કોઈ રેગ્યુલર મિરર હશે, તો ત્યાં વચ્ચે આંગળી મૂકશો તો ત્યાં જગ્યા દેખાશે. જેનો મતલબ આ રેગ્યુલર મિરર છે. આવી જ રીતે જો વચ્ચે જગ્યા ન દેખાય તો એ ટુ વે મિરર છે. જેનો અર્થ પાછળથી કોઈ તમને જોઈ રહ્યું છે.
સુરતની મહિલાઓ કઈ રીતે સેફ રહી શકે એના માટેનું આ અભિયાન છે અને જો કોઈ પણ મોલ કે શો રૂમ કે દુકાનોમાં આવા કોઈ મિરર દેખાશે અને અમારી SHE ટીમ જઈને ચેક કરશે અને ટુ વે મિરર કોઈ જગ્યાએ હશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
