Vadodara: આજવા રોડ પર નશેડી કાર ચાલકે બુલેટને ઉલાળ્યું, ફૂટબૉલ માફક ફંગોળાઈને નીચે પટકાયેલો યુવક ગંભીર ઘાયલ

અકસ્માત સર્જી ભાગવા જતાં કાર ચાલકને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો. કારનો ચાલક એરપોર્ટ ઑથોરિટી ઑફ ઈન્ડિયાનો કર્મચારી નીકળ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 11 Dec 2025 04:30 PM (IST)Updated: Thu, 11 Dec 2025 04:30 PM (IST)
vadodara-news-drunk-car-driver-hits-bulled-on-ajawa-road
HIGHLIGHTS
  • સ્થાનિકોએ ઈજાગ્રસ્ત બુલેટ ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો
  • કારની તલાશી લેતા તેમાંથી દારૂની બોટલ મળી આવી

Vadodara: વડોદરા શહેરમાં ફરી એક વખત નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જતાં ચકચાર મચાવી છે. શહેરના આજવા રોડ પર હરિ ટાઉનશિપ નજીક ગઇ રાતે બનેલા આ બનાવમાં બુલેટ પર જઇ રહેલા યુવાનને કાર ચાલકે અડફેટે લીધો હતો.

આ અથડામણને પગલે બુલેટ ચાલક યુવક હવામાં ફૂટબોલ માફક ફંગોળાઈને રોડ પર પટકાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલ ખસેડ્યો હતો.

બીજી તરફ અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ભાગી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સ્થળ પર હાજર લોકો દ્વારા તેને રોકી લેવાયો હતો. લોકોએ ગાડીની અંદર તપાસ કરતાં દારૂની બોટલો મળી આવી હતી. આથી કાર ચાલક નશામાં ડ્રાઇવિંગ કરી રહ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું.

આ બાબતની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે કારના ચાલકને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરી હતી. પ્રાથમિક તપાસમાં કાર ચાલકની એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયાનો કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે. જેણે ભારે નશામાં કાર પરથી કાબુ ગુમાવીને અકસ્માત સર્જ્યો હતો. હાલ તો પોલીસે કારના ચાલકનું મેડિકલ ચેકઅપ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.