Padma Awards 2026:પ્રજાસત્તાક દિનના આગલા દિવસે કેન્દ્ર સરકાર દ્વારા પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અંગદાન માટે લોકોમાં જાગૃતિ ફેલાવીને હજારો લોકોને જીવતદાન આપનારા સુરતના નિલેશ વિનોદચંદ્ર મંડલેવાલાનું (Nilesh Mandlewala) નામ પણ સામેલ છે. ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં આગવી ઓળખ ઉભી કરનારા નિલેશ માંડલેવાલાએ ધંધાની સાથે-સાથે સમાજ સેવાના ક્ષેત્રમાં પણ જાણીતું નામ બની ગયા છે.
સફળ બિઝનેસમેનથી લઈને સમાજ સેવક સુધીની નિલેશ માંડલેવાલાની સફર
એક સફળ ધંધાદારીની લઈને સમાજ સેવક સુધી નિલેશ માંડલેવાલાની સફર પણ ખૂબ જ પ્રેરણાદાયી રહી છે. નિલેશ મંડલેવાલા સુરતના એક મોટા ઉદ્યોગપતિ છે, જેઓ લાંબા સમય સુધી ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા રહેયા. જો કે તેમને આગવી ઓળખ ત્યારે મળી જ્યારે તેમણે 'ડોનેટ લાઈફ' સંસ્થાની સ્થાપના કરી.
હકીકતમાં નીલેશ મંડેલાવાલાના પિતાને કિડનીની બીમારી હતી. વર્ષ 2004થી તેમના પિતા અઠવાડિયામાં બે વાર સતત ડાયાલિસિસ કરાવતા હતા.
નિલેશ માંડલેવાલાએ પિતાની પીડાને અનુભવી અને તેમને લાગ્યું કે, આપણા દેશમાં અંગદાન પ્રત્યે જાગૃતિના અભાવે દર વર્ષે લાખો દર્દીઓ પોતાના જીવ ગુમાવી રહ્યા છે. બસ પછી તેમણે આ સમસ્યા દૂર કરવાનું નક્કી કરી લીધુ. તેમનું માનવું છે કે, શરીરના અંગોનું દાન કરીને બીજા દર્દીને નવજીવન આપી શકાય છે.
અંગદાનના ક્ષેત્રમાં દુનિયાભરમાં ઓળખ ઉભી કરી
નિલેશ મંડલેવાલાએ અંગદાન મામલે માત્ર સુરત કે દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેમના પ્રયાસ થકી અત્યાર સુધીમાં 1300થી વધુ અંગો અને ટિશ્યૂઝનું દામ કરવામાં આવી ચૂક્યું છે. હ્રદય, કિડની, લિવર અને ફેફસાના સફળ ટ્રાન્સપ્લાન્ટ થકી અનેક પરિવારોમાં ખુશીઓનું આગમન થયું છે.
આટલું જ નહીં, નિલેશ માંડલેવાલાએ 100થી વધુ ઓર્ગન રિટ્રીવલ હોસ્પિટલ બનાવવામાં પણ મદદ કરી છે. તેમના આવા જ નિસ્વાર્થ સામાજિક કામકાજના કારણે તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવી રહ્યા છે.
