Padma Awards: રાષ્ટ્રપતિ ભવનમાં મંગળવારે યોજાયેલા એક ભવ્ય સમારોહમાં દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો પૈકીના એક એવા 'પદ્મ એવોર્ડ્સ' એનાયત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રમતજગત, કલા અને સામાજિક ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન આપનારી હસ્તીઓને સન્માનિત કરાઈ હતી. આ વર્ષના પુરસ્કારોમાં ભારતીય રમતજગતના દિગ્ગજોનો દબદબો જોવા મળ્યો છે, જેમાં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને ટેનિસ લેજન્ડ વિજય અમૃતરાજ મુખ્ય આકર્ષણ રહ્યા હતા.
રોહિત શર્માની સિદ્ધિઓને મળ્યું સર્વોચ્ચ સન્માન
ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સૌથી સફળ કેપ્ટનોમાં સ્થાન મેળવનાર રોહિત શર્માને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન 'પદ્મ શ્રી'થી નવાજવામાં આવ્યો છે. રોહિત શર્માએ વર્ષ 2025માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી, પરંતુ વનડે ફોર્મેટમાં તેમનું શાનદાર પ્રદર્શન ચાલુ રહ્યું છે. ગયા વર્ષે તેણે વનડેમાં 650 રન બનાવીને ટીમમાં પોતાની મહત્વની ભૂમિકા સાબિત કરી હતી. રોહિત શર્માની આગેવાની હેઠળ જ ભારતે T20 વર્લ્ડ કપ 2024 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જેવા બે પ્રતિષ્ઠિત આઈસીસી (ICC) ખિતાબ પોતાના નામે કર્યા હતા.
વિજય અમૃતરાજને 'પદ્મ ભૂષણ' અને સવિતા પુનિયાને 'પદ્મ શ્રી'
ભારતીય ટેનિસને વૈશ્વિક પટલ પર ઓળખ અપાવનાર દિગ્ગજ ખેલાડી વિજય અમૃતરાજને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન 'પદ્મ ભૂષણ'થી સન્માનિત કરવામાં આવ્યા છે. રમતજગતમાં આ વર્ષે પદ્મ ભૂષણ મેળવનાર તેઓ એકમાત્ર ખેલાડી છે. આ અગાઉ તેમને 1974માં અર્જુન એવોર્ડ અને 1983માં પદ્મ શ્રીથી પણ સન્માનિત કરાયા હતા.
બીજી તરફ, ભારતીય મહિલા હોકી ટીમની પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ગોલકીપર સવિતા પુનિયાને પણ 'પદ્મ શ્રી' પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. લાંબા સમય સુધી ભારતીય મહિલા હોકીની ડિફેન્સ લાઇનને મજબૂતી આપનાર સવિતાએ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત, મધ્યપ્રદેશના ભગવાનદાસ રાયકવારને મરણોત્તર પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પણ સન્માનિત
કેન્દ્ર સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. આ યાદીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરનું નામ પણ સામેલ હતું, જેમને થોડા દિવસો પહેલા જ પદ્મ શ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. હરમનપ્રીત કૌર માટે વર્ષ 2025 યાદગાર રહ્યું હતું, જ્યાં તેમના શાનદાર નેતૃત્વ હેઠળ ભારતીય મહિલા ટીમે ઘરઆંગણે રમાયેલા વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત મેળવી દેશનું નામ રોશન કર્યું હતું.
