Padma Awards 2026: દેશના પાટનગર નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ભવ્ય સિવિલ ઇન્વેસ્ટીચર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે વર્ષ 2026ના પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારો (Padma Awards 2026)નું વિતરણ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય કક્ષાના આ સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનારા કુલ 131 મહાનુભાવોમાં આ વખતે મનોરંજન જગતના દિગ્ગજો ઉપરાંત ગુજરાતના કળા-સાહિત્ય અને સામાજિક ક્ષેત્રના અનેક અનસંગ હીરો (અજાણ્યા રત્નો) એ પણ દેશભરમાં ડંકો વગાડ્યો છે.
સિનેમા જગત અને ગુજરાતના કયા દિગ્ગજો સન્માનિત થયા?
- ધર્મેન્દ્ર (મરણોત્તર): પદ્મ વિભૂષણ (કળા)
- મામૂટી: પદ્મ ભૂષણ (કળા)
- અલ્કા યાગ્નિક: પદ્મ ભૂષણ (કળા)
- પીયૂષ પાંડે (મરણોત્તર): પદ્મ ભૂષણ (કળા)
- આર. માધવન: પદ્મ શ્રી (કળા)
- સતીશ શાહ (મરણોત્તર): પદ્મ શ્રી (કળા)
ગુજરાતનું ગૌરવ વધારનારા વિજેતાઓ (પદ્મ શ્રી)
- અરવિંદ વૈદ્ય (કળા - અભિનય): જાણીતી સિરિયલ 'સારાભાઈ V/S સારાભાઈ' ફેમ અને નાટ્ય જગતના વરિષ્ઠ કલાકાર.
- ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા (કળા - સંગીત): લુપ્ત થતી 'માણભટ્ટ આખ્યાન' ની કળાને જીવંત રાખવા બદલ.
- રતિલાલ બોરીસાગર (સાહિત્ય અને શિક્ષણ): ગુજરાતી સાહિત્યના હાસ્ય સમ્રાટ.
- મીર હાજીભાઈ કાસમભાઈ / 'હાજી રમકડું' (કળા): હસ્તકલા અને પરંપરાગત કળા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન.
- નીલેશ માંડલેવાલા (સામાજિક કાર્ય): સામાજિક કલ્યાણ અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે.
#PadmaAwards 2026 announced: 131 awardees honoured, including 5 Padma Vibhushan, 13 Padma Bhushan, and 113 Padma Shri, recognising excellence and service across diverse fields.#PadmaAwards2026 #PeoplesPadma pic.twitter.com/iuhyldgeSE
— DD News (@DDNewslive) January 25, 2026
શું પદ્મ એવોર્ડ વિજેતાઓને રોકડ રકમ કે સરકારી પેન્શન મળે છે?
સામાન્ય રીતે લોકોના મનમાં એક મોટો પ્રશ્ન રહેતો હોય છે કે દેશનું આટલું સર્વોચ્ચ સન્માન મેળવનાર સેલિબ્રિટીઝ કે સામાન્ય નાગરિકોને સરકાર તરફથી કેટલી પ્રાઇઝ મની (ઇનામી રકમ) મળતી હશે? લોકો માને છે કે વિજેતાઓને માસિક પેન્શન કે અન્ય સરકારી આર્થિક લાભો મળતા હોય છે, પરંતુ હકીકત આનાથી તદ્દન જુદી છે.
ભારત સરકારના સત્તાવાર નિયમો અનુસાર, પદ્મ પુરસ્કાર વિજેતાઓને કોઈ પણ પ્રકારનું નકદ ઈનામ (Cash Prize) કે માસિક ભથ્થું આપવામાં આવતું નથી. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાતા આ સન્માન સમારોહમાં કોઈ પણ પ્રકારનો ચેક કે નાણાકીય પુરસ્કાર અપાતો નથી. આ પુરસ્કાર સંપૂર્ણપણે પ્રતીકાત્મક (Symbolic) અને ઔપચારિક છે, જેનું સામાજિક અને વ્યાવસાયિક સ્તરે દેશનું સૌથી સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે.
પદ્મ પુરસ્કાર તરીકે શું આપવામાં આવે છે?
પદ્મ મેડલ: એક કાંસાનું સત્તાવાર મેડલિયન (મેડલ).
સનદ: ભારતના રાષ્ટ્રપતિના હસ્તાક્ષર (સિગ્નેચર) અને સીલ ધરાવતું એક વિશિષ્ટ પ્રમાણપત્ર.
સરકારી ગેઝેટમાં સ્થાન: તમામ પદ્મ વિજેતાઓનાં નામ ભારત સરકારના સત્તાવાર ગેઝેટ (Official Gazette)માં ગૌરવપૂર્વક પ્રકાશિત થાય છે.
તમને જણાવી દઈએ કે, દર વર્ષે પ્રજાસત્તાક દિવસ (Republic Day)ની પૂર્વસંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે અને ત્યાર બાદ માર્ચ, એપ્રિલ કે મે મહિના દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં ખાસ કાર્યક્રમ યોજીને આ સન્માન એનાયત કરવામાં આવે છે.
