પદ્મશ્રી ‘હાજી રમકડું’ની પ્રેરણાદાયી સફર, એક સમયે નરેન્દ્ર મોદી પોતાનો કાફલો અટકાવીને તેમને મળવા પહોંચ્યા હતા

એકવાર કાર્યક્રમમાં આવેલા મિત્ર હાજીભાઈને ઢોલક વગાડતા જોઈ ગયા, જેમણે તેમને 'હાજી રમકડું' નામ આપ્યું હતુ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 25 Jan 2026 06:16 PM (IST)Updated: Sun, 25 Jan 2026 06:16 PM (IST)
padma-awards-2026-unsung-heroes-mir-hajibhai-kasambhai-dholak-player-haji-ramkadu-story
HIGHLIGHTS
  • હાજીભાઈએ વણઝરી ચોક ખાતે થતી ગરબીથી ઢોલક વગાડવાની શરૂઆત કરી
  • ગાય માતા માટે એક પણ રૂપિયો લીધા વિના હજારો કાર્યક્રમો કર્યાં

Padma Shri Haji Ramkadu: દર વર્ષની પરંપરા પ્રમાણે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન એવા પદ્મ પારિતોષિક 2026ના (Padma Awards 2026) વિજેતાઓના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. જેમાં ગુજરાતની પણ 3 હસ્તીઓને નવાજવામાં આવી છે. જે પૈકી કલા ક્ષેત્રે પોતાના યોગદાન બદલ મીર હાજીભાઈ કાસમભાઈને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

હાજીભાઈએ વણઝરી ચોક ખાતે થતી ગરબીથી ઢોલક વગાડવાની શરૂઆત કરી
17 મે, 1951માં ગીર સોમનાથના આદરી ગામમાં જન્મેલા મીર હાજીભાઈને સંગીતનો શોખ વારસામાં મલ્યો છે. તેઓ જ્યારે 5 વર્ષના હતા, ત્યારે તેમનો પરિવાર જૂનાગઢ સ્થાઈ થઈ ગયો હતો. હાજીભાઈએ વણઝરી ચોક ખાતે થતી ગરબીથી ઢોલક વગાડવાની શરૂઆત કરી હતી.

મૂળ મીર કુટુંબમાંથી આવતા હાજી કાસમભાઈને સંતાનમાં એક દીકરો અને પાંચ દીકરીઓ છે. તેઓ કહે છે કે, મારે સંગીતના સાધનો સાથે વારસાગત લેણા-દેણી છે. આથી સંગીત મને પ્રિય છે.

ઢોલ વગાડતા જોઈ ગયેલા મિત્રએ 'હાજી રમકડું' નામ આપ્યું
મીર હાજી કાસમભાઈ જવાનીમાં ખૂબ જ લાંબાવાળ ધરાવતા હતા. એક વખત હાજી કાસમભાઈનો કાર્યક્રમ હતો, ત્યારે શંકરભાઈ રાવલ નામે તેમના એક મિત્ર તેમને મળવા પહોંચી ગયા હતા. જ્યાં તેમણે હાજીને ઢોલ વગાડતા જોઈને કહ્યું કે, જ્યારે તું ઢોલ પર થાપ મારે છે, ત્યારે એક રમકડાની માફક તું આ પળને માણતો હોય તેમ લાગે છે. આથી આજથી તારું નામ 'હાજી રમકડું'. બસ ત્યારથી દેશ-વિદેશમાં હાજી કાસમ મીર હાજી રમકડુંના નામે જાણીતા થઈ ગયા.

માત્ર ગુજરાત જ નહી, દેશ-વિદેશમાં અનેક જાણીતા કલાકારો સાથે કામ કર્યું
'હાજી રમકડું'એ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ વિદેશોમાં પણ અનેક કલાકારો સાથે કામ કર્યું છે. તેમણે વિદેશમાં પોતાનો સૌથી પહેલો શૉ લંડનમાં દિવાળીબેન ભીલ સાથે કર્યો હતો. આ સમયે તેઓ બે મહિના સુધી ત્યાં રોકાયા હતા. જે બાદ લેસ્ટર, વેમ્બલી, અમેરિકા, પેરિસ, મસ્તક, કેનેડા અને દુબઈમાં પ્રવાસ કર્યો છે.

દિવાળીબેન ઉપરાંત હાજી કાસમે લાખાભાઈ, કરસનદાસ બાપુ, મણીરાજ બારોટ, પ્રફુલ દવે, પ્રાણલાલ વ્યાસ સહિત અનેક જાણીતા કલાકારો સાથે કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે ગાય માતા માટે 25 હજાર જેટલા કાર્યક્રમો એક પણ રૂપિયો લીધા વિના કર્યા છે.

હાજી રમકડુંને જોઈ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનો કાફલો અટકાવ્યો
વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેઓ સ્વામી વિવેકાનંદ વિનય મંદિરના ગ્રાઉન્ડમાં સભા કરવા આવ્યા હતા. જ્યાંથી નરેન્દ્ર મોદી પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની નજર હાજી રમકડું પર પડી હતી. આથી નરેન્દ્ર મોદીએ પોતાનો કાફલો તાત્કાલિક અટકાવ્યો હતો અને હાજી રમકડું સાથે મુલાકાત કરી હતી.