Surat Godown Fire: શહેરના મોટા વરાછા અને સિંગણપોર વિસ્તારમાં ગોડાઉનમાં આગની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. જો કે આગમાં ગોડાઉનમાં રહેલો માલ બળીને રાખ થઈ ગયો હતો.
વરાછામાં વેલ્ડિંગના તણખાથી ગોડાઉનમાં આગ, સોલાર પેનલ સળગ્યા
સુરતના મોટા વરાછા ગજેરા કંપાઉન્ડ શ્રીહરી કેમ્પસમાં રાત્રીના સમયે વેલ્ડીંગનું કામ ચાલતું હતું, આ દરમ્યાન આગ લાગી ગઈ હતી. આજુબાજુના 5 જેટલા પતરાના શેડમાં આવેલા ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયા હતા. આગને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી.
આ પણ વાંચો
આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. ફાયર વિભાગની ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી
અહી આવેલા સત ઈવેન્ટ્સ નામના ગોડાઉનમાં ઇવેન્ટ મેનેજમેન્ટનો સમાન સળગી ગયો હતો. આ ઉપરાંત ટ્રેન્ડી ઈવેન્ટ્સ, ઓનલાઈન સેલિંગનો સમાનનું ગોડાઉન તેમજ સોલાર પેનલ સળગી ગયા હતા. ફાયર વિભાગ દ્વારા 195 જેટલા સોલાર પેનલ બહાર કાઢી લીધા હતા.
સિંગણપોર ભંગારના એક ગોડાઉનમાં આગ, દૂર-દૂર ધુમાડાના ગોટેગોટા દેખાયા
સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં ભરીમાતા રોડ પર આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે, આગ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી કે તેના કાળા ધુમાડાના ગોટા બે કિલોમીટર દૂર સુધી આકાશમાં સ્પષ્ટ જોઈ શકાતા હતા. આ અચાનક બનેલી દુર્ઘટનાને કારણે આસપાસના સ્થાનિક વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ ત્વરિત કાર્યવાહી કરીને વિવિધ ફાયર સ્ટેશનોમાંથી 10 થી વધુ ફાયરની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.
ફાયર વિભાગના જવાનોએ ચારેય બાજુથી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. સદનસીબે આ ભીષણ આગમાં હાલ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી, પરંતુ આગ ફાટી નીકળવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે અને તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
