મહીસાગર 'નલ સે જલ' કૌભાંડઃ ભાજપ અગ્રણી અને પૂર્વ સરપંચ ગોવિંદ પટેલ સહિત વધુ 3ની ધરપકડ, અત્યાર સુધી 73 આરોપીઓ જેલભેગા

મહીસાગર જિલ્લામાં રૂ. 123 કરોડના 'નલ સે જળ' કૌભાંડમાં CID ક્રાઇમે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં ભાજપના સ્થાનિક નેતા અને પૂર્વ સરપંચ ગોવિંદ પટેલનો સમાવેશ થાય છે. આ સાથે કુલ ધરપકડ કરાયેલા લોકોનો આંકડો 73 પર પહોંચ્યો છે, જ્યાં 620 ગામોમાં ગેરરીતિઓ સામે આવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 22 Oct 2026 06:11 PM (IST)Updated: Thu, 22 Oct 2026 06:11 PM (IST)
mahisagar-nal-se-jal-scam-bjp-leader-govind-patel-3-others-arrested-total-reaches-73

Mahisagar Nal Se Jal Scam: ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં દરેક ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાના હેતુથી શરૂ કરાયેલી સરકારી 'નળ સે જળ' યોજના હેઠળ મહીસાગર જિલ્લામાં રૂ. 123 કરોડનું મોટું નાણાકીય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ કથિત કૌભાંડની ઊંડી તપાસ કરી રહેલી CID ક્રાઇમે તાજેતરમાં વધુ ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. આ સાથે જ આ કેસમાં અત્યાર સુધી ધરપકડ કરાયેલા લોકોનો કુલ આંકડો 73 પર પહોંચી ગયો છે.

નવી ધરપકડ કરાયેલા આરોપીઓમાં કોઠંબા ગામના માજી સરપંચ, લુણાવાડા APMCના પૂર્વ ચેરમેન અને ભાજપના સ્થાનિક નેતા ગોવિંદભાઈ કાલિદાસ પટેલ (ગોવિંદ રાણા)નો પણ સમાવેશ થાય છે. ગોવિંદ પટેલ પર આરોપ છે કે, તેમણે પોતાના સરપંચ પદના કાર્યકાળ દરમિયાન ગામની પાણી સમિતિના સરકારી ખાતામાંથી આશરે રૂ. 14 લાખ પોતાના અંગત બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. હાલ તપાસ એજન્સીઓ આ બેંક વ્યવહારો અને દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરી રહી છે.

620 ગામોમાં ગેરરીતિ અને કૌભાંડની આશંકા

તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. મહીસાગર જિલ્લાના કુલ 714 ગામોમાંથી 620 ગામોમાં યોજનાના અમલીકરણમાં ગેરરીતિ થઈ હોવાનું જણાયું છે. પીવાના પાણીની પાઇપલાઇન, કૂવા, બોરવેલ અને ઘરગથ્થુ નળ જોડાણ માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.

બોગસ બિલો અને બોગસ કાગળો ઉભા કરીને કામ પૂરું થઈ ગયું હોવાનું દર્શાવી સરકારી તિજોરીમાંથી નાણાં ઉપાડી લેવાયા હતા. કેટલાક સ્થળોએ જમીન પર કોઈ જ કામ ન થયું હોવા છતાં ચૂકવણું કરી દેવાયું હોવાની ફરિયાદો ઉઠી છે.

સરકારી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત

આ કૌભાંડમાં વાસ્મો ના 11 કર્મચારીઓ, 47 ખાનગી કોન્ટ્રાક્ટરો, 6 સરપંચો, અન્ય સરકારી કર્મચારીઓ અને પાણી સમિતિના સભ્યો સહિત 73 લોકોની અટકાયત કરાઈ છે. પ્રાથમિક તપાસમાં 12 સરકારી કર્મચારીઓ અને 111 ખાનગી એજન્સીઓ સામે આક્ષેપો થયેલા છે.

નાગરિકો માટે સવાલ: પીવાનું પાણી ક્યારે મળશે?

આ સમગ્ર પ્રકરણમાં સૌથી મોટી પીડા સ્થાનિક ગ્રામજનોની છે. કૌભાંડ અને અધૂરા કામોને કારણે અનેક ગામોમાં પીવાના પાણીની સમસ્યા યથાવત છે. વહીવટીતંત્રે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની સાથે ગેરકાયદે નાણાંની વસૂલાત કરવી જોઈએ અને દરેક ગામમાં બાકી રહેલા કામો ઝડપથી પૂર્ણ થાય તે માટે ચોક્કસ સમયમર્યાદા જાહેર કરવી જરૂરી છે.