મહીસાગરમાં અનૈતિક સબંધમાં આડખીલીરૂપ પતિની હત્યાઃ પત્નીએ પ્રેમી સાથે મળીને પથારીમાં નિંદ્રાધીન પતિને લાકડી-ધોકાના ફટકા મારીને પતાવી દીધો

મહીસાગરના ગરિયા ગામમાં પત્ની અને તેના પ્રેમીએ મળીને પતિ પ્રવિણભાઈ વણકરની હત્યા કરી. અનૈતિક સંબંધોમાં આડખીલી બનતા પતિને લાકડી-ધોકા વડે મારી નાખી મૃતદેહ ફેંકી દીધો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 19 Oct 2026 09:44 PM (IST)Updated: Mon, 19 Oct 2026 09:44 PM (IST)
mahisagar-shocking-murder-wife-and-lover-attack-sleeping-husband-dump-body-away-from-home

Mahisagar Murder: આજથી બે દિવસ પહેલા મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગરિયા ગામની સીમમાંથી પ્રવિણભાઈ વણકર નામના શખ્સનો મૃતદેહ મળી આવવાના કેસમાં કોઠંબા પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં પ્રેમી સાથે સંસાર માંડવા માટે પત્નીએ જ ખુદ પોતાના પતિનો કાઢી નાંખ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીને ઝડપી પાડ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, બે દિવસ પહેલા મૃતક પ્રવિણભાઈની ગેરહાજરીમાં પત્ની મનિષા વણકરનો પ્રેમી હિતેશ પટેલ (રહે. કોલવણ ગામ) ઘરમાં ઘુસીને ખાટલા પાછળ સંતાઈ ગયો હતો. મોડી રાતે પ્રવિણભાઈ ઘરે પરત ફર્યા અને પથારીમાં સૂઈ ગયા, ત્યારે હિતેશે મનિષા સાથે મળીને લાકડી અને ધોકા વડે હુમલો કર્યો હતો. લાકડી-ધોકાના આડેધડ ફટકા વાગવાથી પ્રવિણભાઈ સ્થળ પર જ બેભાન થઈને ફસડાઈ ગયા હતા અને મોતને ભેટ્યા હતા.

જે બાદ આરોપીઓએ પોતાનો ગુનો છુપાવવા માટે કોઈ ત્રાહિત વ્યક્તિએ પ્રવિણભાઈને મારી નાંખ્યા છે, તેવું દર્શાવવા તેમના મૃતદેહને ઘરથી 200 મીટર દૂર સીમમાં ફેંકી દીધી હતી. બીજા દિવસે પુત્રએ શોધખોળ હાથ ધરતાં ગામની સીમમાંથી પિતાનો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલી કઠંબા પોલીસને મૃતદેહ પર ઈજાના નિશાનો જોઈને કોઈ નજીકના સબંધી દ્વારા હત્યા કરવામાં આવી હોવાની શંકા ગઈ હતી. જેમાં પત્નીની ભૂમિકા શંકાસ્પદ જણાતા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતા. ટેક્નિકલ સર્વેલન્સ અને ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે મનિષા અને હિતેશે જ પ્રવિણભાઈની હત્યા કર્યાનું ખુલતા બન્નેને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મનિષા અને હિતેશ વચ્ચે 3 વર્ષથી પ્રેમસબંધ હતો. જો કે બન્નેના મિલનમાં પ્રવિણભાઈ આડખીલી રૂપ બનતા હોવાથી તેમનો કાંટો કાઢી નાંખવા માટે કાવતરું ઘડવામાં આવ્યું હતુ. હાલ તો પોલીસે બન્ને આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવા સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.