મહીસાગર: વરધરી ગામમાં 'મચ્છી ઉછેર'નો વિવાદ વણસ્યો; પોલીસ ચોકીમાં ઘૂસી યુવક પર જીવલેણ હુમલો, 5 પકડાયા

મહીસાગરના લુણાવાડા સ્થિત વરધરી ગામમાં સ્વરૂપ સાગર તળાવમાં મચ્છી ઉછેર બાબતે વિવાદ વણસ્યો. જીવ બચાવવા ચોકીમાં ભાગેલા યુવક પર પોલીસ ચોકી અંદર જ હુમલો થતાં પોલીસે 5 આરોપીઓને દબોચી વરઘોડો કાઢ્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 25 Sep 2026 02:12 PM (IST)Updated: Fri, 25 Sep 2026 02:12 PM (IST)
mahisagar-lunawada-vardhari-village-pond-fish-farming-dispute-police-booth-attack-5-arrested

Mahisagar News: મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના વરધરી ગામમાં તળાવમાં 'મચ્છી ઉછેર' બાબતે ચાલતા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. બોલાચાલી અને વિવાદ બાદ એક યુવક પર પોલીસ ચોકીની અંદર જ ઘૂસીને જીવલેણ હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના અંગે પોલીસે 10 શખ્સો સામે ગુનો નોંધીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી 5 આરોપીઓને પકડી લીધા છે.

વિવાદ પાછળ કારણ શું?

મળતી વિગતો અનુસાર, વરધરી ગામના સ્વરૂપ સાગર તળાવમાં 'મચ્છી ઉછેર' બાબતે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ મુદ્દે બોલાચાલી થયા બાદ મામલો શાંત પાડવા અને સમાધાન કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, વિરોધી જૂથના આરોપીઓએ યુવકની ગાડી રોકીને ગાળાગાળી કરી ઝઘડો શરૂ કર્યો હતો. પરિસ્થિતિ વણસતી જોઈને પીડિત યુવક પોતાનો જીવ બચાવવા માટે નજીકની વરધરી પોલીસ ચોકીમાં દોડી ગયો હતો.

પોલીસ ચોકીમાં ઘૂસીને હુમલો અને ધમકી

યુવક પોલીસ ચોકીમાં આશરો લેવા પહોંચ્યો હોવા છતાં, આરોપીઓનું ટોળું કાયદાને નેવે મૂકીને પોલીસ ચોકીમાં ઘૂસી ગયું હતું. ટોળાએ યુવકને લાકડીઓ તથા લાતોથી માથા અને શરીરના અન્ય ભાગો પર ક્રૂરતા પૂર્વક માર માર્યો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ તળાવ ખાલી કરીને જતો રહે, નહીંતર જાનથી મારી નાખીશું. તેવી ગંભીર ધમકી આપી હતી. ઘટના બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસે પાંચ લોકોની અટકાયત કરી

આ ઘટના અંગે પોલીસે વરધરી ગામના કુલ 10 લોકો સામે ગેરકાયદેસર ટોળું રચવા અને જીવલેણ હુમલો કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. નામજદ આરોપીઓમાં યાસિનખાન સીંધી, ઇમતિયાઝખાન સીંધી, મોસીનખાન સીંધી, બશીરખાન સીંધી, સોયેબ સીંધી, તાહીર સીંધી, ગુલ્લી સીંધી, નાશીર સીંધી, કલ્લુ સીંધી અને જાકીર સીંધીનો સમાવેશ થાય છે.

મહીસાગર પોલીસે ત્વરિત પગલાં ભરી ગણતરીના કલાકોમાં જ 5 આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે કાયદાનું ભાન કરાવવા માટે આરોપીઓને ગામમાં લઈ જઈ તેમનો વરઘોડો પણ કાઢ્યો હતો. બાકીના આરોપીઓને ઝડપી પાડવા અને સમગ્ર મામલાની વધુ તપાસ માટે પોલીસે કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખી છે.