મહીસાગરમાં સરકારી નોકરીના નામે મહાઠગાઈ: 58 યુવક-યુવતીઓ પાસેથી રુ. 11.20 લાખ પડાવ્યા, ખોટા ચેક આપી ગઠિયો ફરાર

મહીસાગરના લુણાવાડાના ગઠિયાએ 112 ઈમરજન્સી સેવા અને 181 મહિલા હેલ્પલાઈનમાં નોકરી અપાવવાના બહાને 58 બેરોજગાર ઉમેદવારો પાસેથી ₹11,20,650 પડાવ્યા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 21 Nov 2026 10:51 AM (IST)Updated: Sat, 21 Nov 2026 10:51 AM (IST)
mahisagar-government-job-scam-58-candidates-cheated-11-lakh-20-thousand-fake-cheque-santrampur-police

Mahisagar News: સરકારી હેલ્પલાઈન સેવાઓમાં નોકરી અપાવવાની લાલચ આપીને બેરોજગાર યુવક-યુવતીઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લુણાવાડા તાલુકાના સોનેલા ગામના રહીશ મહિપાલસિંહ વિજયસિંહ જાદવે 58 જેટલા નિર્દોષ ઉમેદવારોને પોતાની જાળમાં ફસાવી કુલ ₹11,20,650 ની માતબર રકમ પડાવી લીધી છે. નાણાં પરત માંગતા આરોપીએ ખામીયુક્ત અને ખોટી સહીવાળા ચેક પધરાવી મોબાઈલ ફોન બંધ કરી દેતા આખરે સમગ્ર મામલો સંતરામપુર પોલીસ મથકે પહોંચ્યો છે.

નોકરીને બહાને યુવક પાસે પૈસા ખંખેર્યા

સમગ્ર ઘટનાની વિગત મુજબ, સંતરામપુર તાલુકાના સાતકુંડા ગામના 26 વર્ષીય યુવક હિતેશકુમાર રૂઘાભાઈ બારીઆને નવેમ્બર 2025માં એક મિત્ર મારફતે જાણવા મળ્યું હતું કે મહિપાલસિંહ જાદવ પોતાની ઊંચી ઓળખાણનો ઉપયોગ કરીને ઈમરજન્સી સેવા 112માં ડ્રાઈવર તરીકે નોકરી અપાવી શકે છે. આ વિશ્વાસના આધારે લુણાવાડાની જૂની આર.ટી.ઓ. કચેરી ખાતે બંને વચ્ચે મુલાકાત યોજાઈ હતી, જ્યાં આરોપીએ જરૂરી દસ્તાવેજો મેળવી ઓનલાઈન માધ્યમથી ₹15,000 વસૂલ્યા હતા.

ગઠિયાએ 58 લોકો સાથે છેતરપિંડી આચરી

ત્યારબાદ હિતેશકુમારના સંપર્કમાં રહેલા અન્ય બેરોજગાર યુવાનોએ પણ નોકરીની આશાએ નાણાં આપવાની તૈયારી દર્શાવી હતી. જે અંતર્ગત 53 પુરુષ ઉમેદવારોએ 112 ઈમરજન્સી સેવામાં ડ્રાઈવરની નોકરી માટે, 5 મહિલા ઉમેદવારોએ 181 મહિલા હેલ્પલાઈનમાં નોકરી મેળવવા માટે ₹75,000 સહિત કુલ ₹11,20,650 ની રકમ ફરિયાદી હિતેશકુમારના બેંક ખાતામાં જમા કરાવી હતી, જે આરોપી સુધી પહોંચાડવામાં આવી હતી. જોકે, લાંબો સમય વીતી જવા છતાં કોઈ ઉમેદવારને નોકરીનો નિમણૂક પત્ર ન મળતાં તમામ યુવાનોને છેતરપિંડીની શંકા ગઈ હતી અને તેમણે પોતાના નાણાં પરત મેળવવા માટે કડક ઉઘરાણી શરૂ કરી હતી.

ફોન સ્વીચ ઓફ કરી આરોપી ફરાર

ઉઘરાણીનું દબાણ વધતાં ગઠિયાએ બચવા માટે ચાલાકી વાપરી ફરિયાદીને ₹1.50 લાખ અને ₹2 લાખના બે ચેક આપ્યા હતા. પરંતુ આ ચેકમાં નામ લખવાની જગ્યાએ રકમ લખવામાં આવી હતી તેમજ સહી પણ ખોટી હોવાથી બેંકમાંથી બંને ચેક પરત ફર્યા હતા. આ ઘટના બાદ આરોપીએ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી સંપર્ક તોડી નાખતા છેતરપિંડીની ખાતરી થઈ હતી, જેથી હિતેશકુમાર બારીઆએ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.