Mahisagar News: મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં દિવાળીના તહેવારે એક ખૂની ખેલ ખેલાયો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. જ્યાં લોહીનો સંબંધ પણ કલંકિત થઈ ગયો હતો. લગ્ન કરાવવાની વાતને લઈને વિવાદ થતાં નાના ભાઈએ પોતાના મોટા ભાઈનું કાસળ કાઢી ના્ખ્યું હતું. જેની જાણ સંતરામપુર પોલીસને થતાં પોલીસે આરોપી નાના ભાઈને પકડીને જેલ હવાલે કર્યો હતો.
મળતી માહિતી મુજબ, સંતરામપુર તાલુકાના મોટી કયા ગામ ખાતે રહેતા વિનોદ તાવિયાડના નાના ભાઈ ચેતન તાવિયાડના ઘણા સમયથી લગ્ન નહોતાં થતાં આથી નાનો ભાઈ મોટા ભાઈને લગ્ન કરાવી આપવા માટે કહેતો. જોકે, ઘટના સમયે મોટો ભાઈ દુકાનેથી જરૂરી કામ પૂરુ કરીને પાછા ફરી રહ્યા હતા. તેવામાં નાના ભાઈએ ભોગ બનનાર પર હિચકારો હુમલો કરી દીધો હતો. અને બોથડ હથિયાર વડે ભાઈનું ઢીમ ઢાળી દીધું હતું.
આ પણ વાંચો
હત્યા બાદ આરોપી ભાઈ ત્યાંથી જતો રહ્યો હતો. ઘટના બાદ નદી કિનારે મોટા ભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે સંતરામપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. સંતરામપુર પોલીસે આરોપી સામે ગુનો નોંધીને કાર્યવાહી શરુ કરી હતી. તેમજ તેની શોધખોળ શરુ કરીને અટકાયત કરી હતી. પોલીસ ફરિયાદમાં આક્ષેપ મુજબ, ચેતન તાવિયાડના લગ્ન ન થતાં હોવાથી મૃતક ભાઈના માથે ગંભીર ઈજાઓ પહોંચાડીને હત્યા કરી હતી.
દિવાળીના પર્વ પર ગ્રામ્ય પંથકમાં થયેલી હત્યાને પગલે ભારે શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. પરિવારના સભ્યોમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ પોલીસે આરોપીની અટકાયત કરીને તેને કડકમાં કડક સજા થાય તેવી કાર્યવાહી શરુ કરી છે.
