Rajkot News: રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા સંગઠન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન સૌરાષ્ટ્રના રાજકારણમાં મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. કોડીનારના પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ જે.ડી. સોલંકીએ ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે. રાજકોટ ખાતે કોંગ્રેસના પ્રદેશના નેતાઓની ઉપસ્થિતિમાં તેમણે વિધિવત્ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો.
વર્ષ 2012માં કોડીનાર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બનેલા જે.ડી. સોલંકીના પક્ષપલટાને પગલે કોડીનાર સહિત સૌરાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. તેમના કોંગ્રેસમાં જોડાવાથી સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો રચાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો
કોંગ્રેસમાં પ્રવેશ કર્યા બાદ જે.ડી. સોલંકીએ કોડીનાર વિસ્તારની પરિસ્થિતિને લઈને નિવેદન આપતાં સ્થાનિક રાજકારણમાં અસામાજિક તત્ત્વોના ત્રાસનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે દિનુ સોલંકી સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કોડીનાર વિસ્તારમાં દિનુ સોલંકીના ત્રાસથી પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે.
તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, વિસ્તારમાં મંત્રી હોવા છતાં સમગ્ર સંચાલન એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે. આવી પરિસ્થિતિથી નારાજ થઈને જ તેમણે ભાજપ છોડવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. જે.ડી. સોલંકીએ કોડીનાર વિસ્તારમાં વિકાસના અભાવનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. કોડીનારમાં અપેક્ષા મુજબનો વિકાસ થયો નથી, જેના કારણે સ્થાનિક લોકોની સમસ્યાઓ યથાવત્ છે.
જે.ડી. સોલંકીના ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાવાના નિર્ણયથી કોડીનારના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક તરફ કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ પૂર્વ ધારાસભ્યના પક્ષપલટાથી સ્થાનિક રાજકીય સમીકરણો પર તેની શું અસર પડશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
