છોટાઉદેપુર પાલિકામાં પ્રમુખની તાજપોશીના 3 કલાકમાં જ ભાજપમાં ભડકો, ઉપપ્રમુખ સહિત 17 સભ્યોનો બળવો

છોટાઉદેપુર નગરપાલિકામાં નવા પ્રમુખની વરણીના ગણતરીના કલાકોમાં જ ભાજપમાં આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. ઉપપ્રમુખ સહિત 17 સભ્યોના જૂથે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી વિકાસકામોના બિલો અને નવી ભરતી પર રોક લગાવવાની માંગ કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 22 Oct 2026 12:06 PM (IST)Updated: Thu, 22 Oct 2026 12:06 PM (IST)
major-rift-in-chhota-udepur-bjp-17-councilors-issue-ultimatum-within-3-hours-of-new-presidents-election

Chhota Udepur: છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપ શાસન દરમિયાન રાજકીય ડ્રામા સર્જાયો છે. નગરપાલિકાના નવા પ્રમુખની વરણી થયાના ગણતરીના કલાકોમાં જ ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવી ગયો છે. ઉપપ્રમુખની આગેવાની હેઠળ 17 સભ્યોના જૂથે સંગઠન સામે ખુલ્લો બળવો પોકારી ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે, જેનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

હકીકતમાં પાલિકા પ્રમુખ તરીકે વોર્ડ નંબર 4ના ભાજપના વિજેતા ઉમેદવાર રજની રાઠવાની વરણી કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ સંગઠન તેઓને પ્રમુખ બનાવવા ઈચ્છતું હતું, પરંતુ પક્ષનો જ એક મોટો વર્ગ અન્ય ઉમેદવારની તરફેણમાં હોવાથી આ નિર્ણય સામે અસંતોષ વ્યાપ્યો હતો. 20મી ઑક્ટોબરના રોજ નવા પ્રમુખે હોદ્દો સંભાળ્યાના માત્ર ત્રણ જ કલાકમાં ઉપપ્રમુખ સહિત 17 સભ્યોનું જૂથ મેદાને આવ્યું હતું.

ચીફ ઓફિસરને પાઠવેલા પત્રમાં 17 સભ્યોએ સહીઓ કરીને સ્પષ્ટ માંગ કરી છે કે, બહુમતી સભ્યોની મંજૂરી વગર વિકાસકામોના નાણાકીય બિલો પાસ કરવા નહીં તેમજ કોઈપણ નવી ભરતી કરવી નહીં. આ બળવાખોર જૂથમાં સમાજવાદી પાર્ટીના 6, ભાજપના 6, કોંગ્રેસના 1 અને ભાજપ સમર્થિત 3 અપક્ષ સભ્યો સહિત કુલ 17 સભ્યો એકજૂટ થયા છે.

આ અંગે છોટાઉદેપુર પાલિકાના ચીફ ઓફિસર ભાવિકકુમાર બરજોડે જણાવ્યું કે, હાલ નગરપાલિકામાં આશરે 8 કરોડ રૂપિયાના વિકાસકામો પ્રગતિ હેઠળ છે. 17 સભ્યોએ લેખિત રજૂઆત કરી હોવાથી અને બહુમતીના આંકડાને ધ્યાને લેતાં વહીવટી નિયમો મુજબ સભ્યોની સંમતિ વગર ચૂકવણું શક્ય નથી.

પ્રમુખે પણ પોતાની સત્તાના ઉપયોગ માટે 17 સભ્યોની સહી સાથેનો પત્ર રજૂ કરવો પડશે. સત્તાધારી પક્ષના જ સભ્યો દ્વારા પ્રમુખ સામે મોરચો મંડાયા ભાજપ સંગઠન માટે ભારે અસ્વસ્થતાભરી સ્થિતિ સર્જાઈ છે.