Dahod: રતનમહાલ અભ્યારણ્યમાં વાઘણ લાવવા NTCAની લીલીઝંડી, ડિસેમ્બર સુધીમાં પ્રક્રિયા પૂર્ણ થશે

દાહોદના રતનમહાલ અભયારણ્યમાં વંશવૃદ્ધિ માટે વાઘણ લાવવા NTCAએ લીલીઝંડી આપી છે. ડિસેમ્બર સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ થતાં ગુજરાતના વન્યજીવ ઇતિહાસમાં નવો અધ્યાય ઉમેરાશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 22 Oct 2026 11:47 AM (IST)Updated: Thu, 22 Oct 2026 11:47 AM (IST)
ratanmahal-sanctuary-to-get-tigress-ntca-approves-tigress-relocation-to-gujarat-by-december

Dahod News: દાહોદ જિલ્લાના રતનમહાલ અભયારણ્યમાં (Ratanmahal Sanctuary) દોઢ વર્ષથી કાયમી વસવાટ કરી રહેલા એકાંતવાસી નર વાઘ માટે હવે કુદરતી વંશવૃદ્ધિ અને પુનર્વસનનો આખરી તખ્તો તૈયાર થઈ ગયો છે. આ નર વાઘના કાયમી સ્થાયી થવાને પગલે તેનો કુદરતી વંશવેલો આગળ ધપે તે માટે વન વિભાગ અને કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા વાઘણ લાવવાની ગંભીરતાપૂર્વક કવાયત હાથ ધરવામાં આવી છે.

નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) અને કેન્દ્ર સરકારની હાઈ-પાવર ટેકનિકલ કમિટીએ આ વિસ્તારનું ‘હેબિટેટ આકલન’ અને ‘પ્રે-બેઝ સ્ટડી’ પૂર્ણ કર્યા બાદ સકારાત્મક અહેવાલ સોંપ્યો છે. દેહરાદુનથી આવેલી વિશેષ કમિટીએ રતનમહાલ અભયારણ્યની મુલાકાત લઈને જંગલની સ્થિતિ, શિકારની પર્યાપ્ત ઉપલબ્ધતા અને સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી ચકાસણી કરી હતી.

આ સંદર્ભે પ્રાપ્ત અહેવાલ અનુસાર, જંગલમાં પૂરતો શિકાર, અનુકૂળ ઇકોલોજી અને વન વિભાગ દ્વારા કરવામાં આવતી 24 કલાકની મજબૂત સુરક્ષાના આધારે આગામી ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં વાઘણ લાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. NTCA એ અહેવાલના આધારે કયા સુરક્ષિત જંગલ કે અભયારણ્યમાંથી વાઘણ પકડીને રતનમહાલ રીલોકેટ કરવી તે અંગેનો આખરી નિર્ણય લખાશે.

ઉલ્લેખનીય છે કે, આ નર વાઘ સાગટાળા રેન્જથી લઈને મધ્ય પ્રદેશ સરહદ અને છોટા ઉદેપુરના કેવડી પાછળના જંગલો સુધી સતત મુવમેન્ટ કરી રહ્યો છે. વાઘના આ સફળ રીલોકેશન પ્રોજેક્ટથી ગુજરાતના વન્યજીવ ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરાશે અને રાજ્યની ‘ટાઇગર સ્ટેટ’ તરીકેની ઓળખ વધુ મજબૂત બનશે.