દાહોદ નજીક ઈકો, ક્રૂઝર અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માતઃ ભીષણ ટક્કરથી બે વાહનોનો કચ્ચરઘાણ, બાઈક આગમાં ખાખ; 3ના મોત

દાહોદના કુશળગઢ-અલીરાજપુર હાઈવે 47 પર ઈકો, ક્રૂઝર અને બાઈક વચ્ચે ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને બાઈક બળીને ખાખ થઈ ગયું હતું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 22 Oct 2026 09:29 PM (IST)Updated: Thu, 22 Oct 2026 09:29 PM (IST)
dahod-road-accident-3-dead-in-fatal-triple-accident-involving-eeco-cruiser-and-bike-near-dahod

Dahod: દાહોદ જિલ્લાના કુશળગઢ-અલીરાજપુર હાઈવે 47 પર આજે ગમખ્વાર ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ઈકો ગાડી, ક્રૂઝર અને બાઈક વચ્ચેની ટક્કરમાં 3 લોકોના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, હાઈવે 47 પર પુરપાટ આવી રહેલી ઈકો ગાડી અને ક્રુઝર સામ-સામે ધડાકાભેર ટકરાઈ હતી. આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલ બાઈક પણ અકસ્માતગ્રસ્ત વાહનો સાથે ભટકાયું હતુ. ત્રણેય વાહનોની ટક્કર એટલી ભયાનક હતી કે, તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો. આટલું જ નહીં, ટક્કરને પગલે ઈકો અને ક્રુઝર ગાડીના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે શોર્ટ સર્કિટ થતાં જોત-જોતામાં બાઈક સંપૂર્ણ બળીને સ્વાહા થઈ ગયું હતુ.

Vadodara: સુભાનપુરામાં આફ્ટર નવરાત્રિની અનોખી ઉજવણી, 'દિવ્યાંગ ગરબા મહોત્સવ 2026'માં હજારો દિવ્યાંગજનો મન મૂકીને ઝૂમી ઉઠ્યા

આ અકસ્માતમાં બાઈક અને ઈકોમાં સવાર ત્રણ મુસાફરોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. બીજી તરફ આ અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ, દાહોદ ગ્રામ્ય પોલીસ અને ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર આવી પહોંચ્યો હતો. જ્યાં 108ની મદદથી ઈજાગ્રસ્ત દર્દીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું માલૂમ પડ્યું છે.

જ્યારે ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. આ અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. હાલ તો ગ્રામ્ય પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.