Vadodara: સુભાનપુરામાં આફ્ટર નવરાત્રિની અનોખી ઉજવણી, 'દિવ્યાંગ ગરબા મહોત્સવ 2026'માં હજારો દિવ્યાંગજનો મન મૂકીને ઝૂમી ઉઠ્યા; જુઓ VIDEO

વડોદરાના સુભાનપુરામાં શ્રી સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 'દિવ્યાંગ ગરબા મહોત્સવ-2026' સંપન્ન થયો. હજારો દિવ્યાંગ ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો અને વિશેષ વ્યવસ્થા સાથે સમાનતા તથા સેવાનો સંદેશ આપ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 22 Oct 2026 07:34 PM (IST)Updated: Thu, 22 Oct 2026 07:34 PM (IST)
divyang-garba-mahotsav-2026-vadodara-hosts-grand-after-navratri-garba-for-differently-abled

Divyang Garba Mahotsav Vadodara 2026: વડોદરાના સુભાનપુરા સ્થિત ઝાંસીની રાણી મેદાન ખાતે ભક્તિ અને સેવાના પવિત્ર સંગમસમો ‘દિવ્યાંગ ગરબા મહોત્સવ-2026’ અત્યંત હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો. શ્રી સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ વિશિષ્ટ ગરબા મહોત્સવમાં શહેર અને આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં દિવ્યાંગ ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ઢોલના તાલે મન મૂકીને માતાજીની આરાધના કરી હતી.

દિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા અને સેવાયજ્ઞ

મહોત્સવના આયોજન અંગે વિગતો આપતાં કાઉન્સિલર શ્રીરંગ આયરે અને રાજેશ આયરેએ જણાવ્યું કે, સામાન્ય લોકો નવરાત્રિના નવ દિવસ ગરબા રમતા હોય છે, પરંતુ દિવ્યાંગજનો સાથે ખેલૈયા બનીને રમવામાં જે દિવ્ય અને આત્મિક આનંદ મળે છે તે અદ્ભુત છે. આ માત્ર એક મનોરંજનનો ઉત્સવ નથી, પરંતુ સમાજમાં સમાનતા, પ્રેમ અને ભાઈચારાની ભાવના દ્રઢ કરવાનો એક સેવાયજ્ઞ છે.

ગરબા રમતી દીકરીઓ માટે આશીર્વાદરૂપ બની વડોદરા પોલીસની 'નવરાત્રિ સુરક્ષા એપ', 9 દિવસમાં 27 હજારથી વધુ ડાઉનલોડ અને 672 એલર્ટ મળ્યા

દિવ્યાંગજનોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સાંઈનાથ ટ્રસ્ટના યુવાનો અને સ્વયંસેવકોએ તેમના ઘરથી લાવવા-લઈ જવાની વાહન વ્યવસ્થા, ભોજન સમારંભ તેમજ અન્ય તમામ જરૂરી સુવિધાઓ માટે ખડેપગે સેવા આપી હતી.

શહેરના રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિ

આ પ્રેરણાદાયી પ્રસંગે વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની તથા ધારાસભ્ય સતિષ પટેલ સહિતના અનેક મહાનુભાવોએ ખાસ હાજરી આપીને દિવ્યાંગ ખેલૈયાઓનો ઉત્સાહ બેવડાવ્યો હતો. રાજેશ આયરે અને શ્રીરંગ આયરેની આગેવાની હેઠળ યોજાયેલા આ પ્રોગ્રામમાં સ્થાનિક પોલીસ પ્રશાસન, પાલિકાના હોદ્દેદારો અને વિવિધ સામાજિક સંસ્થાઓનો બહોળો સહયોગ પ્રાપ્ત થયો હતો.

સશક્તિકરણ અને આત્મવિશ્વાસનો પ્રેરક સંદેશ

આ ભવ્ય આયોજન દ્વારા સમાજમાં ભક્તિભાવની સાથે સાથે દિવ્યાંગોના સશક્તિકરણ અને આત્મવિશ્વાસમાં વધારો કરવાનો એક સુંદર અને પ્રેરણાદાયી સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. અંતમાં, તમામ દિવ્યાંગજનોના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે અને તેમની મનોકામના પૂર્ણ થાય તેવી જગદંબાના ચરણોમાં પ્રાર્થના સાથે આ વિશેષ ગરબા મહોત્સવની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.